રાજકોટના રીઢા તસ્કરે જૂનાગઢ-અમદાવાદ-સુરતમાં હાથ સાફ કર્યો
મહિલા મીત્રને સાથે રાખી આપતો’તો ચોરીને અંજામ: સોના-ચાંદીના ઘરેણા, રોકડ સહિત ૫.૩૦ લાખના મુદ્દામાલ સાથે પકડી લેતી ડીસીબી
રાજકોટમાં એક બાદ એક ચોરીના બનાવ બની રહ્યા છે ત્યારે ચોરટાઓને પકડવા માટે પોલીસ પણ આમતેમ દોડી રહી છે. આવો જ રાજકોટનો એક રીઢો તસ્કર કે જેણે ૨૦ દિવસની અંદર સુરત, જૂનાગઢ અને અમદાવાદમાં હાથ સાફ કર્યા બાદ રાજકોટ આવી ગયો હતો જેને ડીસીબીએ પકડી પાડી ત્રણેય ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ડીસીબી પીઆઈ એમ.આર.ગોંડલિયા અને એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર સહિતની ટીમે કોઠારિયા સોલવન્ટમાં રહેતા પ્રદીપ ઉર્ફે પદીયો કાળુભાઈ પઢારીયા (ઉ.વ.૨૩)ને તેની મહિલા મીત્ર સાથે પકડી પાડ્યો હતો. પ્રદીપ સામે સુરતના પૂણા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત ૨૦ દિવસ પહેલાં તેણે જૂનાગઢના કાળવા ચોક પાસે આવેલા પોલસ્ટાર એપાર્ટમેન્ટ તેમજ પાંચ દિવસ પહેલાં અમદાવાદમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરીને અંજામ આપ્યો હતો.
પ્રદીપના કબજામાંથી સોનાનો સેટ, બુટી, ઝુંમર તેમજ ચાંદીનો કંદોરો, પાયલ સહિતના ૩૪ પ્રકારના દાગીના તેમજ એપલ કંપનીનો ફોન, રોકડ સહિત ૫.૩૦ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
પ્રદીપ ઉર્ફે પદીયા સામે રાજકોટમાં ૨૮ ગુન્હા નોંધાયેલા છે તો ત્રણ વખત તે પાસાની પણ હવા ખાઈ ચૂક્યો છે.