ઉબકાના બ્હાને મુસાફરોને ખંખેરી લેતી રિક્ષાગેંગનો સાગ્રીત પકડાયો
એક મહિનામાં ચાર સ્થળે કળા' કરી હતી: ગ્રીનલેન્ડ, ગોંડલ અને માધાપર ચોકડીએથી જ
શિકાર’ શોધતાં
હાથમાં થેલી કે ખીસ્સું ઉભરાયેલું દેખાય એટલે અત્યંત સસ્તા ભાડે મુસાફરને બેસાડી લેતા હતા: ઝોન-૨ એલસીબી-ગાંધીગ્રામ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ
રાજકોટમાં સમડી અને રિક્ષા ગેંગે ઉપાડો લીધો હોય તેવી રીતે એક મહિનામાં આ લોકોએ અંજામ આપેલા ગુનાનો ગ્રાફ સતત ઉપર ચડી રહ્યો હતો. દરમિયાન ઝોન-૨ એલસીબી ટીમ અને ગાંધીગ્રામ પોલીસને સફળતા સાંપડી હોય તેમ રિક્ષા ગેંગના એક સાગ્રીતને દબોચી લઈ એક મહિનામાંથી થયેલી ચાર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ રાજેશ મીયાત્રા, ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શબ્બીર મલેક, પ્રશાંત ગજેરા સહિતની ટીમે શીતલ પાર્ક, જૂના એરપોર્ટની દિવાલ પાસેથી સંજય મગનભાઈ બાંભણિયા (રહે.આજીડેમ પાસે)ને ગુનામાં વપરાયેલી રિક્ષા, ૧૨,૦૦૦ની રોકડ સાથે પકડી પાડ્યો હતો.
સંજય બાંભણિયાની સાથે ભુરો શામજીભાઈ સિંધવ અને ઢેબો સરાનીયા પણ ચોરીમાં સામેલ હોવાનું ખુલતાં ભૂરો અને ઢેબાની શોધખોળ હાથ ધરાઈ છે. આ ત્રણેય દ્વારા એક મહિના પહેલાં રૈયા ચોકડી પાસેથી એક મુસાફરના ખીસ્સામાંથી ૯૦૦૦ની રોકડ, ૨૫ દિવસ પહેલાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એક મુસાફરના ખીસ્સામાંથી ૫૫,૦૦, ૨૦ દિવસ પહેલાં માધાપર ચોકડીથી શેઠનગર સુધીના રસ્તે મુસાફરના ખીસ્સામાંથી ૩,૦૦૦ તેમજ સપ્તાહ પહેલાં બાઈક શો-રૂમના કર્મચારીના ખીસ્સામાંથી ૧૨,૦૦૦ની રોકડ સેરવી લેવામાં આવી હતી. આ ત્રણેય ગ્રીનલેન્ડ, માધાપર અને ગોંડલ ચોકડી પાસે રિક્ષા લઈને ઉભા રહેતા હતા અને જેવું કોઈના હાથમાં થેલી કે કોઈનું ખીસ્સું ઉભરાયેલું દેખાય એટલે તુરંત એ મુસાફરને સસ્તા ભાડે રિક્ષામાં બેસાડી થોડે દૂર લઈ જતા હતા અને પછી ઉબકાના બ્હાને આમતેમ થઈને પળવારમાં એ મુસાફરના ખીસ્સામાંથી રોકડ કે પાકિટ સેરવી લેતા હતા.