ઉપલેટાથી ધોરાજી જતાં મહિલાને રિક્ષા ગેંગનો ભેટો : રૂ.60 હજારનો સોનાનો ચેન શેરવી લીધો
રાજકોટ ગ્રામ્યમાં હવે રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ છે.જેમાં ડુમીયાણીગામે રહેતા મહિલાને ધોરાજી હોસ્પિટલમાં પોતાની દવા લેવા માટે જવું હોવાથી તેઓ એક સી.એન.જી.રીક્ષામા બેઠા હતા. અને રિક્ષામાં બેઠેલા બે શખ્સોએ તેમનો રૂ.60 હજારનો સોનાનો ચેન શેરવી તેમને મોજ નદીના નેર પાસે ઉતારી નાશી જતાં ઉપલેટા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ ડુમીયાણીગામ રહેતા ગોદાવરીબેન કાંતીભાઇ રામાણી નામના 60 વર્ષીય મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે પોતાને ધોરાજી દવા લેવા માટે જવાનું હોવાથી ડુમીયાણીગામેથી એક સી.એન.જી.રીક્ષામા બેસીને ધોરાજી જતાં હતા ત્યારે તેમની બાજુમાં બે શખ્સો બેઠા હતા.આ બંને શખ્સોએ મહિલાની નઝર ચૂકવી તેમનો રૂ.60 હજારનો સોનાનો ચેન શેરવી લીધો હતો અને રિક્ષા મોજ નદીના નેર પાસે પહોંચી ત્યારે ચાલકે મહિલાને નીચે ઉતારી દીધા હતા અને ત્યાંથી રિક્ષા લઈ નાશી ગયો હતો.જેથી આ મામલે ઉપલેટા પોલીસ ગુનો નોંધી એ.એસ.આઈ. ડી.પી.કટોચ દ્વારા ગેંગના ત્રણેય શખ્સોની શોધખોળ હાથધરી છે.