સુરેન્દ્રનગરના એક જ પોલીસ મથક વિસ્તારમાં ૨૦ મિનિટની અંદર ચાર સ્થળે SMCની રેડ
ત્રણ જગ્યાએ દારૂ તો એક જગ્યાએ દારૂના વેચાણની સાથે સાથે જુગાર પણ રમાતો’તો: એક સાથે ચાર ટીમે ગાંધીનગરથી દરોડા પાડતાં સ્થાનિક પોલીસના તપેલા'ચડી જશે
સ્ટેટ મોનિટરિંગ સેલના
રડાર’માં સુરેન્દ્રનગર આવી ગયું હોય તેમ એક બાદ એક દરોડા પાડી દારૂ-જુગારની બદી પકડવામાં આવી રહી છે. તાજેતરમાં જ દસાડાના સીમ વિસ્તારમાં ધમધમતી જુગાર ક્લબ પકડી પાડ્યા બાદ બેદરકારી દાખવવા બદલ પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ અને એક પીઅસઆઈની બદલી થયાની ઘટના તાજી જ છે ત્યાં એસએમસીએ એક જ પોલીસ મથક વિસ્તારમાં ૨૦ મિનિટની અંદર ચાર સ્થળે દરોડા પાડતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ચાર ટીમ બનાવી એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ધમધમતા દારૂ-જુગારના હાટડા પર રેડ પાડવામાં આવી હતી. પીએસઆઈ એસ.આર.શર્મા અને ટીમે દુધરેજ કેનાલની સામે પમ્પીંગ સ્ટેશનની ખુલ્લી જગ્યામાં દરોડો પાડી દારૂની ૨૭ બોટલ સાથે પ્રતાપ લાલુભાઈ રાતીયા, ચેતન નાગરભાઈ ઉધરેજા અને રાહુલ રમેશભાઈ ઉધરેજાને પકડી પાડ્યા હતા. આ ત્રણેય દારૂની ખરીદી કરવા માટે આવ્યા હતા જ્યારે દારૂ-બીયરનું વેચાણ ભાવેશ ઉર્ફે ભાવિન કાંતિલાલ વાળા અને વિક્રમસિંહ ભૂપતસિંહ જાડેજા કરતા હોવાનું ખુલ્યું હતું. જો કે આ બન્ને ફરાર થઈ ગયા હતા.
આ જ રીતે પીએસઆઈ એ.વી.પટેલ સહિતની ટીમે પતરાવાડી ચોકની બાજુમાં, બૂટભવાની કોમ્પલેક્સની નીચે દરોડો પાડી દારૂ-બીયરની ૫૦૩ બોટલ-ટીન સાથે ઈસ્માઈલ ભટ્ટી, સુરેશ સોલંકી, નિલેશ ચૌહાણને પકડી પાડ્યા હતા. અહીં તો દારૂ-બીયરની સાથે વરલી-મટકાનો જુગાર પણ ચાલી રહ્યો હતો. આ બન્ને દૂષણ જયરાજસિંહ ઉર્ફે જયુભા ઝાલા, રણજીતસિંહ માવજી ઝાલા સહિતની દેખરેખ હેઠળ ચાલી રહ્યાનો ખુલાસો થયો હતો. જો કે આ બન્ને હાથ લાગ્યા ન્હોતા. પોલીસે અહીંથી ચંદ્રસિંહ દાનસિંહ ડોડિયા, રવિરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા, સરફરાઝ અનવરભાઈ ખોખરને જુગાર રમાડવા બદલ પકડ્યા હતા.
આ ઉપરાંત થોનારી કમ્પાઉન્ડ, મીંયાણાવાસમાં દરોડો પાડી સલીમ સુલેમાનભાઈ મીંયાણા નામના શખ્સે દારૂની બે બોટલ સાથે પકડી લેવામાં આવ્યો હતો. જ્યાં જ્યાં દરોડા પડ્યા તે તમામ વિસ્તાર એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતો હોય ત્યાંના સ્ટાફ ઉપર તવાઈ ઉતરવી નિશ્ચિત મનાય રહી છે.