વિંછીયામાં લેન્ડગ્રેબિંગની અરજીનો ખાર રાખી પ્રૌઢની કરપીણ હત્યા
મૂળ થોરિયાળી ગામે રહેતાં પ્રૌઢ વિંછીયામાં આઈશર ગાડી રીપેરીંગ કરાવતાં હતાં ત્યારે ચાર શખ્સો કુહાડી-લાકડીથી તૂટી પડ્યા : રાજકોટ સિવિલમાં સારવારમાં દમ તોડ્યો
વિંછીયામાં લેન્ડગ્રેબિંગની અરજીનો ખાર રાખી ચાર શખ્સોએ પ્રૌઢને જાહેરમાં કુહાડી અને લાકડીના ઘા ઝીંક્યા હતા.જેથી તેઓને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને આ મામલે તેનું અહીં રાજકોટ સિવિલમાં સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.અને પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે જ્યારે પરિવારે આરોપી પકડાઈ નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.પરંતુ સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, વિંછીયાના થોરિયાળી ગામે રહેતાં ઘનશ્યામભાઈ જીવાભાઈ રાજપરા (ઉ.વ.48) આઈશર ગાડી ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતાં હતાં. ગત તા. 29 સાંજના સમયે તેઓ પોતાની આઈશર ગાડી રીપેરીંગ કરાવવા વિંછીયામાં આવેલ એક ગેરેજ પર ગયા હતાં. જ્યાં તેઓ ગાડી રીપેરીંગ કરી રહ્યાં હતા ત્યારે સેખા સાંબડ સહિતના ચાર શખ્સો કુહાડી-લાકડી સાથે ઘસી આવ્યા હતાં અને ઝઘડો કરી હુમલો કરી દિધો હતો.આ હુમલામાં તેઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પ્રથમ વીંછીયા, ભાવનગર અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ ટૂંકી સારવારમાં તેમનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
આ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક ઘનશ્યામભાઈએ ગામમાં ગેરકાયદેસર થયેલ મકાન બાંધકામ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજીઓ કરી હતી. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું છે. મૃતક ચાર ભાઈ બહેનમાં વચ્ચેટ અને તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે.પ્રથમ મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.પરંતુ પોલીસની સમજાવટ બાદ મામલો શાંત થયો હતો.હાલ વિંછીયા પોલીસ, એલસીબી સહિતનો પોલીસ કાફલો હત્યારાઓની શોધખોળ કરી રહી છે.
બોક્ષ
હે. વેપારીઓએ બંધ પાડી મામલતદારને આવેદન પાઠવ્યું
લેન્ડગ્રેબિંગ અરજીનો ખાર રાખી ચાર શખ્સોએ પ્રૌઢનું ઢીમ ઢાળી દીધું હતું.જે મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.વેપારીઓએ અડધો દિવસ બંધ પાડયુ હતું.ઉપરાંત હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી યોજીને મામલતદારને આવેદન પાઠવ્યું હતું.