જાતીય સતામણી કેસમાં રાજકોટ મહિલા કોલેજનો પ્રોફેસર બરતરફ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો, ફરિયાદ કરનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી
રાજકોટ : “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ.. ગુરુ દેવો મહેશ્વર:, ગુરુ સાક્ષાત્પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:” જીવનમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેવા ગુરુને ઈશ્વર સમકક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે, આજના સમયમાં અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં પાખંડી ગુરુ… ગુરુ શિષ્યની પરંપરાને લજવી રહ્યા છે, રાજકોટમાં વર્ષ 2022માં બનેલા જાતીય સતામણીના એક કેસમાં છાત્રાની ફરિયાદ બાદ તપાસ સમિતિએ તપાસ કરી દોષિત ઠરેલા પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા બાદ તપાસના અંતે પ્રોફેસરને બરતરફ કરતો આદેશ કર્યો છે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં જાતીય સતામણીના કેસમાં પ્રોફેસરને બરતરફ કરવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2022માં રાજકોટની માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજના પ્રોફેસર સંજય તેરૈયા વિરુદ્ધ બોટની વિભાગની એક છાત્રાએ જાતીય સતામણી અંગેની ફરિયાદ કોલેજના સત્તાવાળાઓ સમક્ષ કરતા પ્રાથમિક તપાસ બાદ આ પ્રોફેસરને સસ્પેન્ડ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના દિશા નિર્દેશ મુજબ કોલેજ દ્વારા હાઇકોર્ટના નિવૃત જજ, કોલેજના એડવોકેટ અને આરોપીપક્ષના એડવોકેટની ત્રણ સભ્યોની કમિટીની રચના કરી કામના સ્થળે જાતીય સતામણી અંગેના વર્ષ 2013ના કાયદા મુજબ તપાસ શરૂ કરી હતી, જેમાં ત્રણ સભ્યોની કમિટી પૈકી બે સભ્યોએ પ્રોફેસર સંજય તેરૈયાને નિઃશંક પણે દોષિત માન્ય હતા અને બચાવપક્ષના સભ્યે નિઃશંક દોષિત માન્ય ન હતા જેથી બહુમત સભ્યોના નિર્ણય મુજબ પ્રોફેસર સંજય તેરૈયાને બરતરફ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બોટની વિભાગમાં અભ્યાસ કરતી છાત્રાને પ્રોફેસર સંજય તેરૈયાએ વારંવાર અશોભનીય ભાષામાં મેસેજ કરવાની સાથે છાત્રાને આ બાબતે કોઈને પણ ફરિયાદ ન કરવા ધમકી આપી હતી જેથી તા.16-09-2022માં છાત્રાની ફરિયાદ બાદ કોલેજ સત્તામંડળે પ્રોફેસર સંજય તેરૈયાની પૂછપરછ કરતા સંજય તેરૈયાએ આડકતરી રીતે મેસેજ કર્યાનું કબુલતા તા.16-12-2022ના રોજ પુરાવાઓ ધ્યાને લઈ આક્ષેપો સાબિતમાની સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો હતો જે બાદ ત્રણ સભ્યોની તપાસ કમિટીએ તપાસ કરી પ્રોફેસર સંજય તેરૈયાને દોષિત માની બરતરફ કરતો હુકમ કર્યો હતો સાથે જ આ કિસ્સામા ફરિયાદ કરનાર અન્ય એક છાત્રાની ફરિયાદની પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું કોલેજના એડવોકેટ અને તપાસ કમિટીના મેમ્બર પુરુષોત્તમભાઈ પીપળીયાએ જણાવ્યું હતું.