નીલકંઠ ટોકીઝ પાસેનો બનાવ : પોલીસ મથકમાં સમાધાન કર્યા બાદ ફરી ધમકાવતા ગુનો નોંધાવ્યો
શહેરમાં ગ્રીનપાર્કમાં રહેતા મામાને દૂધ સાગર રોડ પર રહેતા ભાણેજે નીલકંઠ ટોકીઝ પાસે બોલાવીને ‘તારી પત્નીને કેમ હેરાન કરે છે’ કહી ધમકાવતા મામાએ ફિનાઇલ ગટગટાવી લેતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અને બાદમાં આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
વિગત મુજબ ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ ગ્રીન પાર્ક એન્જલવાળી શેરીમાં રહેતાં ઇમરાનભાઇ યાકુબભાઇ મેતર (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી દુધ સાગર રોડ પર રહેતાં તેના કૌટુંબીક ભાણેજ નદીમ ગફારભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ઇમરાનભાઈએ જણાવ્યું છે કે,શનિવારે બપોરે ત્રણેક વાગ્યે નદીમ મારી પત્નિને અવાર-નવાર કોન કરતો હોઇ તે બાબતે મારી પત્નિ સાથે બોલાચાલી થતાં પોલીસ સ્ટેશને ગયા હતાં. જ્યાં ઘરમેળે સમાધાન કરી નીકળી ગયા હતાં. બાદમાં તેઓ નિલકંઠ ટોકીઝ પાસેની શેરીમાં પહોંચ્યા ત્યારે નદીમ પાછળ આવ્યો હતો અને તેઓને રોકીને ‘તું કેમ તારી પત્નિ સાથે બોલાચાલી કરી તેને હેરાન કરે છે’ તેમ કહી ગાળો દેવા માંડ્યો હતો તેમજ ધમકી આપી જતો રહ્યો હતો.જેથી આ વાતનું માઠુ લાગી જતાં તેઓએ ફિનાઇલ પી લેતા પરિવારે સારવાર માટે ખસેડયા હતા.અને બાદમાં નદીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.