રાજકોટ : ગ્રીન લિફ વોટરપાર્કમાં શેડ પરથી પટકાતા યુવકનું કરૂણ મોત
મોરબી રોડ પર બીજા માળેથી પડી જતા યુવક કાળનો કોળિયો બન્યો
રાજકોટ-જામનગર રોડ પર આવેલ ગ્રીન લિફ વોટરપાર્કમાં વેલ્ડિંગ કામ કરી રહેલો શ્રમિક યુવાન અકસ્માતે શેડ પરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તેનું સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત થયું હતું.જયારે બીજા બનાવમાં મોરબી રોડ પર પૂનમ હોલવાળી શેરીમાં રહેતો યુવાન રાત્રીના પોતાના ઘરના બીજા માળેથી પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવની વિગત મુજબ, રાજકોટમાં મોટા મવામાં ગોલ્ડન આર્કની બાજુમાં રહેતો સાજન મુન્નાભાઈ રામ (ઉ.વ.24) સવારે તે જામનગર રોડ પર આવેલ ગ્રીન લિફ વોટરપાર્કમાં વેલ્ડિંગ કામ કરવા ગયો હતો. દરમિયાન તે વોટરપાર્કમાં આવેલ લોખંડના શેડ પર ત્રીજા માળે કામ કરતો હતો ત્યારે અચાનક પગ લપસતા તે નીચે પટકાયો હતો અને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.જેથી તેને સિવિલમાં સારવાર માટે ખસેડતા તેનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી.બી.કારેથાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને અહીં તે એકલો રહી મજૂરીકામ કરતો હતો. મૃતકને સંતાનમાં છ માસની પુત્રી અને એક વર્ષનો પુત્ર છે. જેમને પિતાની છત્રછ્યા ગુમાવતાં પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
બીજા બનાવની વિગત મુજબ મૂળ યુપીનો વતની અને હાલ મોરબી રોડ પર પૂનમ હોલ વાળી શેરીમાં રહી ઇમિટેશનનું કામ કરનાર બુધ્ધારામ ઉર્ફે રાજનાય મેવાલાલ ચૌહાણ(ઉ.વ 36) નામનો યુવાન રાત્રીના પોતાના ઘર પાસે બીજા માળેથી પટકાતા તેને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પરંતુ અહીં તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.એમ.કોઠીવાળેની તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક યુવાન બે ભાઈ બે બહેનના પરિવારમાં નાનો હતો તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.તે ઘરે બીજા માળે પાળીયે સુતો હતો દરમિયાન ઉંઘમાં તે પાળીએથી નીચે પટકાર્યો હતો.જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું.