- મકાનને તાળું મારી ચાવી ઓસરીમા રાખી પરિવાર ખેતરમાં તુવેર વીણવા ગયો’તો : કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટના ખીજડીયા ગામની સીમમાં રહેતો ખેડુત પરિવાર ખેતરમાં તુવેર વિણી રહ્યો હતો.તે સમયે તેમના બંધ ઘરને ચાવી વડે ખોલીને અજાણ્યા તસ્કરો ઘઉંની કોઠીમાં રાખેલ રૂ.1.71 લાખના દાગીનાની ચોરી કરી નાશી છૂટતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ આદરી હતી.
વિગત મુજબ ખીજડીયા ગામની સીમમાં રહેતાં શામજીભાઈ મંગાભાઈ ચાવડા (ઉ.વ.36) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સાતેક વર્ષથી ખેડૂત ગોપાલસિંહની વાડી ભાગમાં રાખીને ખેતી કામ કરે છે.ગત તા.01 ના વાડીએ ખેતરમા તુવેર વિણવાની હોય જેથી બપોરના દોઢેક વાગ્યે વાડીના મકાને બપોરે જમીને પત્નીએ દરવાજાને તાળું મારી ઓસરીમા રાખેલા એક ઠેલામા ચાવી મુકી સહપરીવાર ખેતરમા તુવેર વિણવા જતા રહેલ અને બપોરના ત્રણેક વાગ્યે ચા નો ટાઇમ થતા તેમની દિકરીને ચા બનાવવા માટે મોકલતા તેણીએ પરિવારને ચોરી થયા હોવાની વાત કરતાં પરિવાર દોડી આવ્યો ત્યારે તેઓ જોયું તો ફળીયામા એક જોડી ચાંદીના સાંકળા પડેલ હતા. જેથી તપાસ કરતાં ઘઉંની કોઠીમાં રાખેલો સોનાનો હાર રૂ.1.26 લાખ,એક સોનાનુ પાદડુ, સોનાનો ચાંદલો,એક જોડી સોનાની બુટ્ટી, સોનાનો નાકમા પહેરવાનો દાણો સહિત રૂ.1.71 લાખના દાગીના કોઇ ચોરી જતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.