વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ દારૂની પોટલીઓ વેચતી હોવાનો વિડીયો વાયરલ થતાં પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા હોસ્પિટલમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને પીઆઇ ભાર્ગવસિંહ ઝાણકાટની સૂચના પર ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં સુરક્ષા ડ્રાઈવ યોજી 25 લુખ્ખાઓને પકડી કાર્યવાહી કરી છે.
સિવિલ હોસ્પિટલના સિકયુરીટી સ્ટાફ અને પ્ર.નગર પોલીસ દ્વારા હોસ્પિટલમાં સતત ત્રણ દિવસ સુધી ઠેર-ઠેર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલમાં રખડતા અને પડયા પાથર્યા રહેતા લુખ્ખાઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગઇકાલે 9 મળી કુલ 25 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે પ્ર.નગર પીઆઇ બી.એમ. ઝણકાટે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં મોબાઇલ ચોરી, બાઇક ચોરી સહિતના બનાવો અટકાવવા માટે ત્રણ-ચાર દિવસથી પોલીસ અને સિવિલના સિકયુરીટી સ્ટાફ દ્વારા સંયુકત ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. સાથો-સાથ હોસ્પિટલમાં ચોર-તસ્કરોથી લોકોને સાવધાન કરવા હોસ્પિટલમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. અને આગળના સમયમાં પણ હોસ્પિટલમાં રખડતાં લુખ્ખાઓ સામે આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.
.