આમ આદમી પાર્ટીના રાજકોટ પ્રમુખ પત્તા ટીચતાં પકડાયા !
તીરુપતિનગર શેરી નં.૩માં સુરેશ ઉર્ફે આમ્રપાલી સંચાલિત જુગાર ક્લબ ઉપર પીસીબીનો દરોડો: પ્રખ્યાત ગાંઠિયાના ધંધાર્થી પણ જુગાર રમી રહ્યા’તા
પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) દ્વારા સિંહ જેવી રીતે શિકાર' ઉપર તરાપ મારે છે તેવી જ રીતે દારૂ-જુગારની બદીઓ ઉપર તરાપ મારવામાં આવી રહી છે. એકંદરે બૂટલેગરો અને જુગારીઓમાં અત્યારે પીસીબીને લઈને જબદરસ્ત ફફડાટ જોવા મળી રહ્યો છે.
આવો જ એક ચર્ચાસ્પદ દરોડો પીસીબી દ્વારા તીરૂપતિનગર શેરી નં.૩માં પાડવામાં આવ્યો હતો. અહીં કુખ્યાત જુગારી દ્વારા સંચાલિત જુગારક્લબમાં આમ આદમી પાર્ટીના રાજકોટ પ્રમુખ સહિતના પત્તા ટીંચતાં પકડાઈ જતાં તમામને પકડી પાડી ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ, એએસઆઈ હરદેવસિંહ રાઠોડ, મયુર પાલરિયા, હિરેન સોલંકી, નગીન ડાંગર સહિતની ટીમે બાતમીના આધારે તીરૂપતિનગર શેરી નં.૩માં માતૃછાંયા નામના મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડો પડ્યો ત્યારે અહીં સુરેશ ઉર્ફે આમ્રપાલી ધીરજલાલ કટારિયા, આમ આદમી પાર્ટી-રાજકોટના પ્રમુખ દિનેશ મોહનભાઈ જોષી, ચિરાગ દિલીપભાઈ વ્યાસ, દીપક હરગોવિંદભાઈ વૈષ્ણવ અને બીપીન ધીરજલાલ હિંડોચા જુગાર રમતાં પકડાઈ ગયા હતા. અહીં તીનપત્તીનો જુગાર ખેલાઈ રહ્યો હતો. પોલીસે પટમાંથી ૭૯૫૦૦ની રોકડ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ જુગાર ક્લબનું સંચાલન સુરેશ ઉર્ફે આમ્રપાલી દ્વારા કરવામાં આવતું હતું અને તેના
આમંત્રણ’ને માન આપીને જ દિનેશ જોષી સહિતના જુગારીઓ અહીં જુગાર રમવા માટે આવ્યા હતા. આ જુગારક્લબ ઘણા સમયથી ચાલી રહી હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિનેશ જોષી પાછલી વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ વિધાનસભા બેઠક-૬૯ પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં તેમનો કારમો પરાજય થયો હતો. આ બેઠક પર ભાજપે ડૉ.દર્શિતાબેન શાહ અને કોંગ્રેસે મનસુખ કાલરિયાને ઉતાર્યા હતા.