- ગુમ થયાના બે દિવસ બાદ બાળકીની કોહવાયેલી લાશ ઉપર મળી આવેલ લોહીના નમૂના આરોપી સાથે મેચ થતા અદાલતે ગુનો સાબિત માન્યો
શહેરના વર્ષ ૨૦૨૩માં બનેલી ઘટનાએ દિલ્હી નિર્ભયાકાંડની યાદો તાજી કરાવી દીધી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફે જતા હાઈ-વે પર બંધ કારખાનામાં હોવાને ૧૩ વર્ષની દિકરી પર દુષ્કર્મ ગુજારી નિર્મમ હત્યા નિપજાવી દીધી હતી ત્યારે આ કેસમાં બાળકીની કોહવાયેલી લાશ ઉપર મળી આવેલ લોહીના નમૂના આરોપી સાથે મેચ થતા અદાલતે ગુનો સાબિત માનીને આરોપીને જયદીપ પરમારને જીવે ત્યાં સુધીનું જેલની સજા ફટકારી છે.
આ કેસની હકિકત મુજબ,ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવરાજ નગરમાં રહેતા પરિવારની ૧૩ વર્ષની બાળકી ગત તારીખ ૨૭/૦૬/૨૦૨૩ ના સાંજના સમયે ઘરેથી લાકડા વીણવા ગઈ હોય જે મોડી રાત સુધી ઘરે આવતા પરિવારે શોધખોળ આદરી હતી. જોકે બે દિવસ બાદ આ વિસ્તારમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના એક વર્ષોથી બંધ કારખાનામાં મશીનો વચ્ચે કોહવાયેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો.ઘટના સ્થળે પહોંચી આજીડેમ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ એલ.એલ.ચાવડાએ લાશનું ઇન્ક્વેસ્ટ પંચનામુ તૈયાર કરેલ જેમાં લાશ પર અનેક ભાગો ઉપર ગંભીર ઈજાઓ જણાવી હતી.
તેમજ પી.એમમાં રિપોર્ટમાં પણ ભોગબનનાર સાથે એકથી વધુ વખત દુષ્કર્મ અને તેના ગુપ્ત ભાગ ઉપર કોઈ ધાતુના સળિયા વડે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ કરતા આરોપી જયદીપ પરમારની ધરપકડ કરી તેની પાસેથી બનાવ સમયે પહેરેલા કપડા કબ્જે કર્યો હતા.જેનું ફોરેન્સિક પરીક્ષણ કરાવતા તેમાંથી બાળકીનું લોહી મળી આવ્યું હતું. અને સામે બાળકીની લાશ અને તેના કપડામાંથી પણ આરોપીનું લોહી મળી આવ્યું હતું. જે મજબૂત પુરાવાના આધારે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
કેસ ચાલવા પર આવતા આરોપી તરફે બચાવ કરવામાં આવેલ કે, બાળકીના જે લોહીના ગ્રુપના કપડામાંથી નમૂના મળી આવેલ છે તે ગ્રુપ અનેક વ્યક્તિઓનું હોય શકે તેથી આરોપીએ આ ગુન્હો કર્યો તેવું સાબિત થતું નથી. તેમજ આરોપી બંધ કારખાનામાં બાળકી સાથે ગયો હતો તેવો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. જેની સામે સરકાર તરફે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, બાળકીના ગ્રુપનું લોહી તેના કપડાંમાંથી ક્યાં કારણસર આવ્યું જે જણાવવાની જવાબદારી આરોપીની છે. તેમજ ભોગ બનનારના શરીર અને કપડાં પર જે વીર્ય મળેલ છે તે આરોપીનું છે તેવું ડી.એન.એ.રિપોર્ટ સાબિત કરે છે.
બંને પક્ષકારોની વિગતવાર રજૂઆત અને દલીલોને ધ્યાને ખાસ અદાલતના ન્યાયાધીશ પી.જે.તમાકુવાલાએ આરોપી જયદીપ ઉમેશભાઈ પરમાર તરફેનો ગુનો સાબિત માની અંતિમ શ્વાસ સુધીની જેલ તેમજ ” વિકટમ કોમ્પન્સેશન સ્કીમ ” હેઠળ મૃતકના પરિવારજનોને ૭ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજય.કે.વોરા રોકાયેલ હતા.