- ડ્રાઈવિંગ કરતાં યુવકને પત્નીનું પથરીનું ઓપરેશન કરાવવું હોય પૈસાની જરૂર પડી’તી
રાજકોટમાં એક વ્યાજખોરે માનવતાને સાવ નેવે મુકી દઈ એક ગરીબ પરિવાર કે જેને સારવાર માટે પૈસાની જરૂર હોય તેની `પીડા’નો લાભ લઈ ૨૮ હજારના બદલામાં બે સ્કૂટર અને ૨૩ ગ્રામ સોનું પડાવી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે બ્રહ્માણી હોલ પાસે સ્વામી વિવેકાનંદ સ્કૂલવાળી શેરીમાં રહેતા અને પીકઅપ બોલેરો જીપનું ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં વિશાલ ગોવિંદભાઈ કેસુરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે છ મહિના પહેલાં તેના પત્ની ભૂમિનું કીડનીની પથરીનું ઓપરેશન કરાવવાનું હોય ઓપરેશન માટે પૈસાની જરૂર પડી હતી. આ ઓપરેશન પાછળ ૬૫ હજારનો ખર્ચ થાય તેમ હોય તેણે મીત્ર વિશાલ કાનગડને વાત કરી હતી. વિશાલે તેના મોટાભાઈ ભાનુ કાનગડ કે જે બેડી ગામમાં રહે છે અને વ્યાજે રૂપિયા આપવાનું કામ કરે છે તેને વાત કરતા ભાનુ કાનગડે વિશાલનું એક્ટિવા ગીરવે લઈને તેને ૨૮ હજાર રૂપિયા મહિને ત્રણ હજારના વ્યાજે પૈસા આપ્યા હતા. આ પછી બે મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું પરંતુ ત્યારબાદ વ્યાજ ન ચૂકવી શકતાં ત્રણેક મહિના પહેલાં ભાનુએ વિશાલનું બીજું બાઈક પણ પડાવી લીધું હતું.

આ પછી બન્ને વાહન છોડાવવા માટે ૧૯ ડિસેમ્બરે પત્ની ભૂમિના સોનાના ઘરેણા કોઠારિયા રોડ પર કેપ્રી લોન્સમાં ગીરવે મુકીને એક લાખની લોન લીધી હતી. એક લાખમાંથી ૭૦ હજાર લઈને ભાનુ કાનગડ પાસે ગયો હતો અને પૈસા આપી દીધા હતા ત્યારે ભાનુએ એમ કહ્યું કે તે પોતે પૈસા ચૂકવીને દાગીના છોડાવી આપશે અને વાહન પણ પરત આપશે પરંતુ તેના બદલામાં મહિને ૧૨ હજાર વ્યાજ આપવું પડશે. ગત ડિસેમ્બર મહિનામાં ભાનુ કાનગડ કેપ્રી લોન્સે આવ્યો અને દાગીના છોડાવી આપ્યા હતા. આ પછી બાઈક પરત આપ્યું હતું તે તેમજ છોડાવેલા દાગીના પણ ભાનુ લઈ ગયો હતો. હવે ભાનુ આ બધી વસ્તુ પરત લેવાના બદલામાં ૨.૧૦ લાખનું વ્યાજ માંગતો હોય આખરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.