રાજકોટના હાર્ડવેર કંપનીના કર્મચારીએ 24.80 લાખનો ધાતુ બારોબાર વેચી માર્યો
સાત માસ સુધી કટકે-કટકે કારખાનામાંથી માલ લઈ ભઠ્ઠીમાં ઓગાળવા આપી દીધો : સીસીટીવીમાં પકડાતાં ભાંડો ફૂટ્યો : 5836 કિલો ઝીંક બરોબાર વેચી નાખ્યાનું ખૂલતાં ભાગીદારોએ ગુનો નોંધાવ્યો
રાજકોટમાં 80 ફૂટ રોડ પર આજી વસાહતમાં આવેલી એલટેક હાર્ડવેર નામની કંપનીના કામ કરતાં કર્મચારીએ સાત માસ સુધીમાં કટકે કટકે 24.80 લાખની ઝીંક ધાતુ ચોરી કરી નજીકમાં આવેલી ભઠ્ઠીમાં ઓગળવા આપી દીધી હતી.અને પૈસા હજમ કરી ગયો હતો.આ બનાવ પર માલિકનું સીસીટીવી આધારે ધ્યાન જતાં કર્મચારીને પકડી લીધો હતો.અને આ મામલે તેના વિરુદ્ધ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની માહિતી મુજબ ભાવનગર રોડ પર પટેલ વાડી પાસે રણછોડનગર સોસાયટી શેરી નં.1માં રહેતા અને 80 ફૂટ રોડ આજી વસાહત – 5 પી.એમ. ડિઝલની પાછળ મેકવેલ એક્સપોર્ટની સામે એલટેક હાર્ડવેર નામની હાર્ડવેરની મેન્યુફેક્ચરીંગની પેઢી ધરાવતા જગદિશભાઈ ચતુરભાઈ લુણાગરીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેને ત્યાં કામ કરતાં હૈમત મનસુખભાઈ સાગઠીયા (રહે. વિનોદનગર શેરી નં. 10) નું નામ આપતા જણાવ્યું હતું કે, તેઓ આ કંપનીમાં 50 ટકાની ભાગીદારી ધરાવે છે.અને તેઓ દર માર્ચ માસમાં વાર્ષિક ટર્નઓવરનો હિસાબ કરે છે. ગત માર્ચ માસે ટર્નઓવર હિસાબ બરોબર હતો. તાજેતરમાં દિવાળી પુર્વે કરી પ્રાથમીક હિસાબ ચેક કરતા હિસાબ મળતો ન હતો અને રો-મટીરીયલ્સ આઈટમ મળી અંદાજે 24,80,740ની કિંમતના માલની ઘટ આવતી હતી. કારખાનામાં છ પુરૂષ કાયમી કર્મચારી અને ૧૫ મહિલા રોજમદાર તરીકે નોકરી કરે છે. હિસાબ માલમાં લાખોની ઘટ આવતા ભાગીદારોએ સંયુકત રીતે મળી નજર રાખવા નકકી કયુ હતું, જેમાં ગત તા.27-10ના રોજ કારીગર હેમત સાગઠીયા કારખાનામાંથી 10-15 જેવી ટ્રે ભરીને હાર્ડવેરની આઈટમ લઈને બહાર જતો દેખાયો હતો. તેની સાથે અન્ય એક મુકેશ બંસરાજ નામનો કર્મચારી પણ બાઇકમાં ગયો હતો જે ભાગીદાર નલીનભાઈ લુણાગરીયાએ સીસીટીવીમાં નજરે નીહાળ્યું હતું.
આ મામલે આરોપી હેમતં સાથે ગયેલા મુકેશને બોલાવીને ભાગીદારોએ પુછપરછ કરી હતી જેથી તેણે પોતે નજીકમાં આવેલી શિવ મેટલ નામની ભઠ્ઠી પર આપવા ગયો હતો. જેથી જગદીશભાઈ સહિતના શિવ મેટલે ગયા હતા ત્યાં હાર્ડવેરની આઈટમનું બાયકુ ભરેલું પડયું હતું અને અન્ય ઓગાળેલો માલ હતો જેથી આ બાબતે ત્યાં હાજર બકુલભાઈને પુછતા તેઓએ આ માલ તમારા કારખાનામાં નોકરી કરતો હેમત આપી ગયો છે અને છેલ્લા સાત મહિનાથી આવી રીતે માલ આપી જાય છે તેવું કથન કર્યુ હતું, ત્યાં પડેલું બાચકું જોખતા 35 કિલો જેટલો માલ હતો તે પરત લઈ આવ્યા હતા.આ બાબતની જાણ હેમંતને થઈ જતાં તે કારખાનું છોડીને ભાગી ગયો હતો અને માલિકોએ તેને ફોન કરતા તેણે પોતાનાથી ભુલ થઈ ગઈ છે.અને જે નુકસાન થયું તે પોતે ભરપાઈ કરી આપશે તેમ કહ્યું હતું.પરંતુ દિવાળીના તહેવાર પછી આરોપી કોઈ જવાબ આપતો ન હતો.અને પોલીસ કેસ કરવો હોય તો કરી નાખજો તેમ કહ્યું હતું. જેથી તેના વિરુદ્ધ થોરાળા પોલીસમાં 24.80 લાખની કિંમતનો માલ કારખાનામાંથી કાઢીને ઉચાપત કરી લીધાની ફરિયાદ કરતાં પોલીસે તેની અટકાયત કરી છે.