- યુનિવર્સિટી રોડ પર આવેલી પ્રેમવતીમાં જમતો’તો ત્યારે થોરાળા પોલીસે આરોપીને દબોચી લીધો : લોન અપાવવાના બહાને અનેક લોકોને છેતરતા ગુનો નોંધવામાં આવ્યો હતો
રાજકોટમાં લોન અપાવવાના બહાને અનેક લોકોને છેતરનાર ઠગ મહાવીરસિંહ જાડેજા થોરાળા પોલીસની ગંજીવાડ ચોંકીમાંથી ફરાર થઇ ગયા બાદ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી ત્યારે ગઇકાલે તે યુનિવર્સિટી રોડ પર આવેલી પ્રેમવતી ભોજનાલયમાં ખિચડી ખાતો હતો ત્યારે પોલીસે દબોચી લઇ કાર્યવાહી કરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આરોપી મહાવીરસિંહ જાડેજા શહેરમાં અલગ અલગ લોકોને લોન અપાવવાના બહાને તેમની પાસેથી અલગ અલગ પ્રોસેસીંગ માટેના ચાર્જ નહીં કપાવવા માટે લોનની રકમ પોતાના ખાતામાં મેળવી ફ્રોડ આચરતો હતો. ત્યારે આ અંગે થોરાળા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તેને પકડી ગંજીવાડા ચોકીમાં પુછપરછ માટે બેસાડયો હતો. ત્યારે હાજર પોલીસને ચકમો આપી મહાવીરસિંહ જાડેજા પોલીસ જાપ્તામાંથી નાસી છુટયો હતો.જે બાદ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની ટીમે આરોપી પકડવા શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ પરમાર અને સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે મહાવીરસિંહને યુનિવર્સિટી રોડ પર આવેલી પ્રેમવતી ભોજનાલયમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.