નવરાત્રીની પૂર્વે જ પીસીબી અને ડીસીબીની ટિમ દ્વારા બુટલેગરો પર ઘોષ બોલવામાં આવી રહી છે.જેમાં ગઈકાલે બંને ટિમો દ્વારા ક્રિષ્ના વોટર પાર્ક પાસે ,આર.કે.યુનિ. પાસે અને કુવાડવા રોડ પાસેથી કુલ મળી દારૂની 1212 બોટલો કબ્જે કરી પાંચ બુટલેગરોની ધરપકડ કરી છે.જયારે એક દરોડામાં બુટલેગરો દ્વારા બેરલ-કબાટમાં છુપાવીને દારૂ લવાતો હતો.
દરોડાની વિગત મુજબ પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી.ત્યારે હેડ કોન્સ્ટેબલ કરણ મારૂ, કોન્સ. વિજય મેતા અને યુવરાજસિંહને મળેલ ચોકકસ બાતમીના આધારે કુવાડવા રોડ ડી માર્ટ મોલ સામે પડેલ બોલેરો નં. આરજે 30 જીબી 0875 માં દરોડો પાડી તેમાં ભરેલ પતરાના નાના મોટા બેરલમાં તપાસ કરતા તેમાંથી દારૂની 720 બોટલ મળી આવતા રાજસ્થાનના રાજેશચંદ્ર અંબાલાલ સાલવી (ઉ.30) અને ભવરલાલ જગદીશલાલ લોહાર (ઉ.31)ની ધરપકડ કરી કુલ રૂ.5.99 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ કયાં સપ્લાય કરવાનો હતો તે અંગે પુછતાછ કરવા કોર્ટમાં રજુ કરાતા બન્ને શખ્સોનો બે દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.બીજ દરોડોમાં પીસીબીની ટીમે ગઢકા ગામથી આર.કે. યુનિ. તરફ જતા બેઠા પુર પાસેથી એક સ્વીફટ કારમાં દરોડો પાડી તેમાંથી દારૂની 156 બોટલ મળી આવતા કુલદીપ ભાભલુ ખાચર (ઉ.27) (રહે. નડાળા, સાયલા) અને નિમેશ ઉર્ફે અભુ પ્રવિણ મેસવાણીયા (ઉ.21) (રહે. અજમેર, વિંછીયા)ને દબોચી રૂા. 3.69 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
જયારે ત્રીજો દરોડો ડીસીબીની ટિમ દ્વારા અમદાવાદ-રાજકોટ હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક સામે પાર્ક કરેલ ક્રેટા કારમાંથી દારૂની 336 બોટલ રૂા.1.69 લાખનો મુદ્દામાલ મળી આવતા નરેશ ઓમપ્રકાશ બિશ્નોઈ (ઉ.21) (રહે. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી કુલ રૂા.8.68 લાખનો મુદામાલ કબ્જે કરી પુછતાછ હાથ ધરતા દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના શંકરનું નામ ખુલ્યું હતું અને તે ફોન કરી જણાવે તેને દારૂ સપ્લાય કરવાનો હતો. આમ પીસીબી અને ડીસીબીની ટિમ દ્વારા ત્રણ અલગ અલગ દરોડા પાડીને દારૂની 1212 બોટલો કબ્જે કરી હતી.