મહેસાણાનો પટેલ સપ્લાયર કરતો હતો,રૂ. 17.59 લાખનો મુદ્દામાલ કબજે
ગોંડલના શ્રીનાથગઢ ગામે વાડીમાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલના પંપ ઉપર રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી રૂ.5.54 લાખનું બાયોડિઝલ, ટ્રાવેલ્સ બસ મળી રૂ.17.59 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ બાયોડિઝલનો જથ્થો મહેસાણાનો શખ્સ સપ્લાય કરતો હોવાની વિગતો સામે આવી હતી.
ગોંડલના શ્રીનાથગઢ-વાસાવડ રોડ પર વાડીની ઓરડીમાં શરૂ થયેલા બાયો ડીઝલના પંપ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી રૂ.5.54 લાખની કિંમતનું 7206 લીટર બાયો ડીઝલ ઉપરાંત સ્ટોરેજ ટેન્ક, ફ્યુઅલ પંપ, તેમજ આ પંપ ઉપર બાયો ડીઝલ પુરાવવા માટે આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસ સહિત કુલ રૂ. 17,59,862નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવી હતી. સ્થળ ઉપરથી એસઓજીએ મુખ્ય સૂત્રધાર શ્રીનાથગઢના કેતન જેન્તીભાઈ જોધાણી તેમજ બસના ચાલક બિલડીના નિલેશ દિનેશ સોલંકીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં છેલ્લા ચારેક માસથી મહેસાણાનો પાર્થ પટેલ આ બાયો ડીઝલનો જથ્થો યુટીલીટીમાં મોકલતો હતો. પોલીસથી બચવા માટે સવારે 4 થી 6 એમ માત્ર બે કલાક સુધી જ બસમાં બાયોડિઝલ ભરાતું હતું.જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એસઓજીના પીએસઆઈ બી. સી. મિયાત્રા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.