પોસ્ટમાં બચતખાતાના રૂ.2.94 લાખ પોસ્ટમાસ્તર ચાઉ કરી ગયો
જામકંડોરણાના ચરેલ ગામના પોસ્ટમાસ્તર સામે ગુનો નોંધાયો
જામકંડોરણાના ચરેલ બ્રાંચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર હિતેન્દ્રસિંહ ડી.જાડેજાએ ખાતાધારકોના પૈસા હિસાબી ચોપડામાં નહીં દેખાડી રૂા.2.94 લાખની ઉચાપત કરતાં આ મામલે રાજકોટનાં વૈશાલીનગર શેરી નં.6માં રહેતા ગોંડલ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર નિલય મહેશકુમાર પરમારે જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
ચરેલ ખાતે આવેલ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતાં હિતેન્દ્રસિંહ જાડેજાએ 11-8-2020થી 22-3-2022 દરમિયાન આઈ.પી.પી.બી. એકાઉન્ટધારકોના રોકડા રૂપિયા 2,94,700 મેળવી મોબાઈલ એપ્લીકેશનમાં એકાઉન્ટમાં પૈસા જમા લઈ રોકડા રૂપિયા સરકારી ચોપડે જમા નહીં દેખાડી રૂપિયા અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. ઓડિટ દરમિયાન આ વાત ધ્યાને આવતા અંતે પોસ્ટ માસ્તર હિતેન્દ્રસિંહ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.