પોલીસના લાડલા’ બૂટલેગરની દારૂ ભરેલી રિક્ષા CP કચેરી નજીક પલટી મારી ગઈ !
સગીર રિક્ષા ચાલક અને બૂટલેગર મુન્નાની ધરપકડ પેટા: ૬ વાગ્યા પછી ભીલવાસ ચોકની
એ’ ગલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો છતાં કોઈનું ધ્યાન ન્હોતું જતું ! કારણ શું ?
પોલીસ પીછો કરી રહી હોવાથી જ રિક્ષા ભગાવવાને કારણે પલટી મારી ગઈ હોવાનો લૂલો બચાવ
પાપ છાપરે ચડીને પોકારે જ છે…આ કહેવત પોલીસના લાડલા' ગણાતાં બૂટલેગરને બરાબરની લાગુ પડી ગઈ છે. પોલીસ અધિકારીઓ બદલાય, ગમે એટલા કડક અધિકારી આવે પરંતુ પોતાનો દારૂનો ધમધોકાર ધંધો ચલાવવા માટે કુખ્યાત બની ગયેલા બૂટલેગરની દારૂ ભરેલી રિક્ષા પોલીસ કમિશનર કચેરીથી થોડે જ દૂર ફૂલછાબ ચોકમાં પલટી મારી જતાં મને-કમને દારૂ અને બૂટલેગર બન્નેને પકડવા પોલીસે મજબૂર બનવું પડ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે બપોરના અરસામાં પૂરપાટ ઝડપે એક રિક્ષા પોલીસ કમિશનર કચેરી નજીકથી પસાર થઈ રહી હતી અને જેવી તે ફૂલછાબ ચોકમાં પહોંચી કે પલટી ખાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ પ્ર.નગર પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને રિક્ષાનું ચેકિંગ કરતાં અંદરથી દારૂના ક્વાર્ટર (નાની બોટલ) મળી આવતાં રિક્ષા ચાલક સગીરને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં આ દારૂ ભીલવાસના કુખ્યાત બૂટલેગર મુન્નાનો હોવાનું ખુલતાં જ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
હવે આ દારૂ ક્યાંથી આવ્યો તે સહિતની વિગતો ઓકાવવા માટે મુન્નાને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભીલવાસ ચોકની
એ’ ગલીમાં દરરોજ સાંજે ૬ વાગ્યા પછી ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હતું પરંતુ હજુ સુધી કોઈનું પણ ધ્યાન તે તરફ ગયું ન્હોતું ત્યારે આ પાછળનું કારણ શું હશે તે તો બૂટલેગર જ જાણતો હોવો જોઈએ ! જો આ રિક્ષા પલટી મારી ન હોત તો સાંગોપાંગ રીતે દારૂનો જથ્થો મુન્ના સુધી પહોંચી જ ગયો હોત તેમાં પણ શંકાને કોઈ સ્થાન નથી.
બીજી બાજુ પોલીસ દ્વારા એવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ આ રિક્ષાનો પીછો કરી રહી હોવાનું ધ્યાન પર આવતાં જ ચાલકે રિક્ષા ભગાવી હતી જેના કારણે તે પલટી મારી ગઈ હતી ! હવે આ વાત કેટલે અંશે સાચી તે તો દાવો કરનાર પોલીસ કર્મી જ જાણતા હોવા જોઈએ…!
પોલીસ કર્મીઓ જ બૂટલેગર સાથે સ્કૂટર પર બેસીને આંટાફેરા કરતા હોવાની ચર્ચા !
ભીલવાસ ચોકમાં દારૂનું વેચાણ કેટલા અંશે વકરી ગયું છે તે તો સૌ કોઈ જાણે જ છે ત્યારે આ દૂષણ વકરવા પાછળ પોલીસની ઢીલી નીતિ પણ એટલી જ જવાબદાર છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે જેનો દારૂ પકડાયો હતો તે મુન્નો તો અહીંનો કુખ્યાત બૂટલેગર છે જ સાથે સાથે તેની નીચે પણ અન્ય બૂટલેગરો કામ કરતા હોય અથવા તો પોતાની રીતે છૂટક દારૂ વેચતા હોય તેમની સાથે પોલીસ કર્મીઓ જ સ્કૂટર પર બેસીને આંટાફેરા કરતા હોય છે. આ ઉપરાંત મુન્નો જ્યાં દારૂ વેચે છે તેના ખૂણે ઘણી વખત પોલીસ કર્મીઓ બાઈક અથવા કાર મારફતે `હોલ્ટ’ પણ કરતા હતા !!