મિલકત વિરોધી ગુના ઉપર ‘કંટ્રોલ’ મેળવવા પોલીસનો પ્લાન
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં તસ્કર ગેંગની છઠ્ઠી' જાણતાં પોલીસ અધિકારીની નિમણૂક
દાહોદ એલસીબીમાં બે વર્ષ સુધી ફરજ બજાવીને આવેલા મનોજ ડામોરને સેક્નડ પીઆઈ તરીકે શા માટે મુકાયા તેનું કારણ આવ્યું સામે
ફર્સ્ટ પીઆઈ એમ.આર.ગોંડલિયાનો અનુભવ'ને સેક્નડ પીઆઈ ડામોરના દાહોદ
કનેક્શન’નું કોમ્બિનેશન' ડિટેક્શનમાં થશે મદદરૂપ
રાજકોટમાં થઈ રહેલી મહત્તમ ચોરી-લૂંટમાં દાહોદ-ગોધરા, મધ્યપ્રદેશના જાંબુવા-ધારથી જ ગેંગ ત્રાટકતી હોય તેમની કુંડળી મનોજ ડામોર બરાબર જાણે છે
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ઘણા મહિનાઓ બાદ ફરી વખત સેક્નડ પીઆઈ મતલબ કે બીજા પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચમાં પ્રથમ પીઆઈ તરીકે શહેરની
તાસીર’થી વાકેફ અને રાજકોટનો બહોળો અનુભવ ધરાવતાં એમ.આર.ગોંડલિયા કાર્યરત જ છે ત્યારે બીજા પીઆઈ તરીકે દાહોદ એલસીબીમાં બે વર્ષ સુધી ફરજ બજાવીને રાજકોટ મુકાયેલા મનોજ ડામોરને મુકવામાં આવ્યા છે. એકંદરે ક્રાઈમ બ્રાન્ચમાં સેક્નડ પીઆઈ મુકાતાં જ તરેહ-તરેહની અટકળો અને અનુમાનો પણ વ્યક્ત થવા લાગ્યા હતા. જો કે બીજા પીઆઈ શા માટે મુકવામાં આવ્યા તેનું સચોટ કારણ સામે આવ્યું છે.
એકંદરે સેક્નડ પીઆઈ મનોજ ડામોર ગોધરા એલસીબી જેવી મહત્ત્વની બ્રાન્ચમાં બે વર્ષ સુધી ફરજ બજાવી ચૂક્યા છે. વળી, રાજકોટમાં ચોરી-લૂંટના ગુનાને અંજામ આપવા માટે ગોધરા ઉપરાંત મધ્યપ્રદેશની જાંબુવા અને ધાર ગેંગ એકદમ કુખ્યાત હોય આ તમામ ગેંગથી ડામોર ખાસ્સા વાકેફ છે. સીધા શબ્દોમાં એમ કહીએ કે તેઓ તસ્કર ગેંગની છઠ્ઠી' જાણતા હોવાથી રાજકોટમાં તેમનો ઉપયોગ થઈ શકે તે માટે તેમને ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્ત્વની બ્રાન્ચમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. રાજકોટમાં પાછલા બે સપ્તાહથી એક બાદ એક ચોરીઓ થઈ રહી છે. હાલ ચડ્ડીગેંગ પણ તરખાટ મચાવી રહી છે ત્યારે ચડ્ડી ગેંગ મોટાભાગે ગોધરા ઉપરાંત દાહોદ, મધ્યપ્રદેશ સહિતના સ્થળેથી જ ત્રાટકતી હોવાથી તેમને પકડવામાં સરળતા રહે તે માટે ડામોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એકંદરે બન્ને પીઆઈનું અદ્ભુત
કોમ્બિનેશન’ કરીને મિલકત વિરોધી ગુના અટકાવવા માટે પ્લાન બનાવવામાં આવ્યો છે.
ભલામણના આધારે નહીં, મેરિટના આધારે જ પોસ્ટીંગ
એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે ડામોરને કોઈની ભલામણના આધારે નહીં બલ્કે મેરિટના આધારે જ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. રાજકોટમાં નવા ત્રણ પીઆઈ પૈકી ડામોરને ક્રાઈમ બ્રાન્ચમાં મુકાયા છે કેમ કે તેમણે દાહોદ એલસીબીમાં ફરજ બજાવી છે. આ ઉપરાંત અન્ય બે પીઆઈ જેમાંથી એક પીઆઈ અમદાવાદમાં રીડર બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂક્યા હોય તેમને રીડર શાખામાં અને એક પીઆઈ આઈબીમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેમને સ્પેશ્યલ બ્રાન્ચમાં મુકવામાં આવ્યા છે.
બે વર્ષ દરમિયાન અનેક મહત્ત્વના ગુનાના ભેદ ઉકેલ્યા છે: ડામોર
દાહોદ એલસીબીમાં ફરજ બજાવ્યા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઈ તરીકે મુકાયા બાદ મનોજ ડામોરે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દાહોદ એલસીબીમાં બે વર્ષની ફરજ દરમિયાન અનેક મહત્ત્વના ગુનાના ભેદ ઉકેલ્યા છે. આ ઉપરાંત એવી અનેક તસ્કર ગેંગ પણ પકડી છે જેમણે અલગ-અલગ શહેર-જિલ્લાઓમાં ચોરી-લૂંટને અંજામ આપ્યો હતો.
ટૂંક સમયમાં પીસીબીમાં થશે પીઆઈનું પોસ્ટીંગ
આવનારા દિવસોમાં રાજકોટમાં પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ (ડીસીપી)ની પેરેલલ કામ કરવાની હોવાથી ટૂંક સમયમાં પીસીબીમાં પણ પીઆઈનું પોસ્ટીંગ કરવામાં આવશે. આ માટે ગાંધીનગરસ્તરેથી પીઆઈ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત પીસીબીના હાલના સ્ટાફને અમદાવાદ પીસીબી કેવી રીતે કામ કરે છે તેની સમજણ મળી રહે તે માટે ખાસ અમદાવાદ મોકલવામાં આવી હોવાની વિગતો પણ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી છે.