ધોરાજી ભૂખી ચોકડી પાસેથી પોલીસને 10.58 લાખનો રેઢો પડેલો દારૂ મળ્યો
ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં તાડપત્રી બાંધેલ બોલેરો ચેક કરતાં દારૂની 1752 બોટલો મળી આવતા કુલ રૂ.13.08 લાખનો મુદામાલ જપ્ત કર્યો : બુટલેગરની શોધખોળ
ધોરાજી ભૂખી ચોકડી પાસે શોલે હોટલની સામે હાઇવે પરથી એક શંકાસ્પદ બોલેરો ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફને રેઢી મળી હતી. પોલીસે આ બોલેરોમાંથી તાડપત્રી હટાવી જોતા તેમાંથી 10.58 લાખની કિંમતનો 1752 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂનો જથ્થો અને બોલેરો સહિત 13.08 લાખનો મુદામાલ કબજે કરી ચાલકની શોધખોળ કરી છે.
દરોડાની વિગત મુજબ, ધોરાજી પોલીસનો સટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે પોરબંદર રાજકોટ હાઇવે પર ધોરાજી ભુખી ચોકડીથી જામકંડોરાણા ચોકડી તરફ શોલે હોટલની સામે નેશનલ હાઇવે પર પહોંચતા જેતપુર તરફ એક મહીન્દ્રા બોલેરો પીકઅપ નં. જીજે-03-બીવી-4737 ગાડી તાડપત્રી બાંધેલ શંકાસ્પદ હાલતમાં પડેલી હતી.જેથી સ્ટાફે બોલેરો ચેક કરતા તેમા ચાલક કે કોઈ અન્ય શખ્સ હાજર મળી આવ્યો ન હતો.જેથી તાડપત્રી ખોલી જોતા પુંઠાના બોકસમાં વિદેશી દારૂની બોટલો ભરેલ જોવા મળી હતી. બાદમાં પ્રકાશના અજવાળે બોલેરો પીકઅપ ચેક કરતા પુઠાના બોકસમાં ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાંન્ડની 146 પેટી જોવા મળી હતી. દારૂ ભરેલ પેટી ખોલી ગણતરી કરતાં દારૂની 1752 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.10.58 લાખનો દારૂ અને બોલેરો મળી કુલ રૂ.13.08 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બોલેરો નંબરના આધારે બુટલેગર અને વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી