પોકેટ કોપ એપ પોલીસ માટે બની આશીર્વાદ: રીઢો તસ્કર પકડાયો
જે ગાડીમાં સીમેન્ટનું મીક્સર-લીફ્ટ મશીન બાંધીને લઈ ગયો’તો તેના નંબરે ભેદ ઉકેલ્યો
પોલીસ પણ ટેક્નોલોજી સાથે તાલથી તાલ મીલાવી કામ કરી રહી છે જેનો ફાયદો પણ મળી રહ્યો છે. આવી જ એક એપ્લીકેશન કે જેને પોકેટ કોપ નામ આપવામાં આવ્યું છે તે પોલીસ માટે આશીર્વાદ બની હોય તેવી રીતે રીઢા તસ્કરને પકડવામાં મદદરૂપ સાબિત થવા પામી છે.
થોડા સમય પહેલાં વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં બાંધકામનો વ્યવસાય કરતા રાહુલ રામનાથ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે શ્રીનાથજી એસ્ટેટમાં શેડ નં.૧૫ પાસે ખુલ્લી જગ્યામાં પોતાના મીત્ર જવાભાઈને સિમેન્ટ મીક્સચર મશીન, લિફ્ટ મશીન કે જેની કિંમત એક લાખ રૂપિયા જેટલી થાય છે તેની ચોરી થઈ છે.
આ ફરિયાદ નોંધાતાં જ ડીસીપી રવિ મોહન સૈની, એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.ડી.નકુમ સહિતની ટીમ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા જેમાં બોલેરો કાર જીજે૨૦એક્સ-૧૮૧૦ પાછળ ચોરી કરાયેલા મશીનો બાંધીને લઈ જવાઈ રહ્યાનું દેખાતાં પોકેટ કોપ એપ્લીકેશનમાં આ નંબર નાખી તેના વાહન માલિકને શોધી કાઢવામાં આવ્યા બાદ આ ચોરીને મુકેશ મડિયાભાઈ માવી (રહે.હાલ અમદાવાદ, મુળ દાહોદ) હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી બોલેરો તેમજ મશીન મળી ૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
