- ભારત ઇંગ્લેન્ડ વચ્ચેનો ક્રિકેટ મેચ જોવા ગયા હતા ત્યારે ભીડનો લાભ ઉઠાવી તસ્કરોએ ફોન ચોર્યા : છ દિવસ બાદ પડધરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગત તા.28-1ના ભારત ઇંગ્લેન્ડ વચ્ચેનો ક્રિકેટ મેચ યોજાયો હતો.જેમાં હજારોની સંખ્યામાં લોકો ક્રિકેટ મેચનો આનંદ મળવા પહોંચ્યા હતા.અને સાથે ગઠિયાઓ પણ લોકોના ખિસ્સા હળવા કરવા માટે પહોંચી ગયા હતા.જેમાં મેચ સમયે રાજકોટના ડોક્ટર અને જામનગરના કોન્ટ્રાકટરનો ફોન ભીડનો લાભ ઉઠાવીને સેરવી લીધો હતો.જે મામલે પડધરી પોલીસે ઘટનાના છ દિવસ બાદ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવની વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર અમીધન પાર્કમાં રહેતા ફિઝિયો ડોકટર ચિરાગભાઈ પ્રાણલાલભાઈ સોલંકી (ઉ.વ-29)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે મોટાભાઈ નિલેશભાઈ સાથે મેચ જોવા ગયા હતા. સાંજના છએક વાગ્યાની આસપાસ સ્ટેડીયમ અંદર ગયા બાદ તેઓએ શર્ટના ખિસ્સામાં જોયું તો મોબાઇલ ફોન નહોતો. આજુબાજુમાં તપાસ કરતાં પણ મોબાઈલ ફોન મળ્યો ન હતો.જેથી પડધરી પોલીસમાં અંદાજીત રૂ.10,000નો ફોન ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.
અન્ય બનાવમાં જામનગરમાં સરસ્વતી પાર્ક શેરી નં.1 રણજીત સાગર રોડ પર રહેતા કોન્ટ્રાકટર ભવદીપભાઈ પ્રવીણભાઈ પંડ્યા (ઉવ. 41)એ ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા.28/1ના રોજ સાંજના છ વાગ્યાના સમયે જામનગરથી તેઓ પુત્ર પરમ તથા મિત્ર હિતેશભાઈ પરમાર ત્રણેય નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની મેચ જોવા માટે ગયા હતા.મેચ પુરી થયા બાદ રાત્રીના દશેક વાગ્યાના સમયે સ્ટેડીયમની બહાર નિકળ્યા બાદ ચાની હોટલ પર ચા પીવા માટે ગયા હતા.ત્યાં તેમને માલૂમ પડ્યું હતું કે,કોઇ અજાણી વ્યક્તિ તેમના ખિસ્સામાં રહેલો રૂ.75,000ની કિંમતનો ફોન ચોરી ગયો હતો.જેથી આ મામલે પડધરી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.