રૂા.૮૪૪૪ના લાઈટબિલની ઉઘરાણીએ ગયેલા PGVCLના ઈજનેર પર હુમલો
મકાનમાલિક હાજર ન હોય ફોન કર્યો તો કહ્યું, `ગલીની બહાર નીકળીને બતાવો’, થોડીવારમાં રૂબરૂ આવી ફડાકા ઝીંક્યા
રાજકોટની ભાગોળે મહિકા ગામે વીજ બિલની ઉઘરાણી માટે ગયેલા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર ઉપર મકાન માલિકે હુમલો કરતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે રેસકોર્સ રોડ ઉપર બહુમાળી ભવન ક્વાર્ટરમાં રહેતા અને પીજીવીસીએલમાં ત્રંબા સબ ડિવિઝન ખાતે જુનિયર ઈજનેર તરીકે કાર્યરત ભગીરથભાઈ મારૂ (ઉ.વ.૩૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે શનિવારે સવારે દશેક વાગ્યા આસપાસ તે તેમજ ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ જીતુ મકવાણા મહિકા ગામે વીજ બીલની ઉઘરાણી કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન શ્યામકીરણ પાર્ક સોસાયટીમાં ઘર નં.૧૦૦માં રહેતા જમનાબેન અમિતભાઈ વેઘલાના ઘરના વીજ બીલના રૂા.૮૪૪૪ બાકી હોય તેની ઉઘરાણી કરતાં જમનાબેને પતિ અમિત સાથે વાત કરવાનું કહ્યું હતું. આ પછી અમિતને ફોન કરી પૈસા ભરી દો નહીંતર વીજ જોડાણ કાપી નાખશું તેવું કહેતા અમિતે કહ્યું હતુંકે કાંઈ વાંધો નહીં વીજ કનેક્શન કાપીને ગલીની બહાર નીકળી બતાવો…આટલી વાત થયા બાદ થોડી જ વારમાં અમિત વાઘેલા રૂબરૂ આવ્યો હતો અને ભગીરથને ગાળો ભાંડી ફડાકા ઝીંકી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.