ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ પુત્ર સાથે મળી પતિને ઢીબી નાખ્યા
પેટા : રેલનગરમાં રામેશ્વર પાર્કમાં મોડી રાત્રિના બનેલી ઘટના : પતિને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડયા : સમાધાન કરી નાખતા ગુનો ન નોંધાવ્યો
રાજકોટના ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. મોડી રાત્રિના પદ્મિનીબા વાળાએ તેના પુત્ર સાથે મળીને તેમના પતિ ગિરિરાજસિંહ પર લોખંડના પાઈપથી હિંચકારો હુમલો કર્યો હતો.જેથી તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.પંરતુ આ મામલે પરિવાર વચ્ચે સમાધાન થઈ જતાં પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો ન હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રેલનગરમાં આવેલ રામેશ્વર પાર્ક-5 માં રહેતાં ગિરિરાજસિંહ અનિરૂદ્ધસિંહ વાળા (ઉ.વ.47) સોમવાર રાત્રિના પોતાના ઘરે હતાં ત્યારે રાત્રે 1 વાગ્યાની આસપાસ તેમના પત્ની પદ્મિનીબા વાળા તેમજ પુત્ર સત્યજીતસિંહએ કોઈ કારણોસર ઝઘડો કરી ગિરિરાજસિંહ પર લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો.આ હુમલામાં ગિરિરાજસિંહને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ પ્ર.નગર પોલીસને થતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.જો કે, પોલીસે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતાં મામલો થાળે પડ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત ગીરીરાજસિંહ પણ મોડી રાતે ટૂંકી સારવાર લઈ હોસ્પિટલમાંથી રજા લઈ નીકળી ગયાં હતાં.જેથી સમાધાન થઈ જતાં કોઈ કાયદાકીય કાર્યવાહી કરી ન હતી.
