એક ભાઈ લાંચિયાઓને પકડે, બીજો જુગારક્લબ ચલાવે !!
વડોદરા એસીબી પીઆઈ કે.પી.તરેટિયાના ભાઈની સુ.નગરના પાટડી ગામે બે મહિનાથી ધમધમતી જુગારક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
મહિલા સહિત ૩૦ જુગારી ૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે પકડાયા: સ્થાનિક પોલીસના આશીર્વાદથી ગોરખધંધો ચાલી રહ્યાની આશંકા
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો મતલબ કે એસીબીનો ડંકો વાગી રહ્યો છે. એસીબીનું નામ પડે એટલે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ ફફડી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુનાખોરી માટે પંકાઈ ગયેલા સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક દરોડો પાડીને મસમોટી જુગારક્લબ પકડી પાડી હતી. આશ્ચર્યની વાત એ હતી કે આ જુગારક્લબ બીજું કોઈ નહીં બલ્કે એસીબી પીઆઈનો ભાઈ જ ચલાવી રહ્યો હતો. સ્થાનિક પોલીસના આશીર્વાદને કારણે છેલ્લા બે મહિનાથી આ ક્લબ ધમધમી રહી હોવાની વાતો વહેતી થતાં એસએમસી દ્વારા એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એન.ગોહિલ સહિતની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વેલનાથનગરમાં કિરણ પ્રહલાદભાઈ ઠાકોરના મકાનમાં દરોડો પાડી જુગાર રમતાં કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર, મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર ઉપરાંત ભરત દેવીપૂજક, રાકેશ ઠાકોર, વસીમ સિપાહી, મિનાજ ઉસ્માનભાઈ નાયક, અમિતકુમાર દિલીપભાઈ ખખ્ખર, લાલભા, ભીખુભા ઝાલા, અસલમ શબ્દીરભાઈ સિપાહી, ઝહીર અબ્બાસ બેલિમ, દેવપાલ રાજુભાઈ ઝાલા, નરેશમ ગનભાઈ ઠાકોર, વખતસિંહ ભરતસિંહ સોલંકી, વિજય મનહરભાઈ ભીલ, નિલેશગીરી વિષ્ણુગીરી ગોસ્વામી, ભાર્ગવ અમૃતલાલ દેકિવાડિયા, લાલો છનાભાઈ દેવીપૂજક, મોહસીન ઉર્ફે લારા બાબુભાઈ મંડલી, સરફરાઝ ઉર્ફે કાલુ ફકીર, રામ ઉર્ફે વિક્રમ ઠાકોર, અરવિંદસિંહ હરિભા મકવાણા, કિરણ મંગાજી ઠાકોર, રાજુ પોલાભાઈ દેવીપૂજક, રમેશ ઠાકોર, ખુશ્બુ ઉર્ફે કુસુમ અશ્વિનભાઈ પરમાર, રમીલા ગોપાલભાઈ ઠાકોર, કાંતા મગનભાઈ પરમાર, રમીલા નાગરભાઈ પરમાર અને જલીબેન ઠાકોરને ૪.૫૮ લાખની રોકડ સહિત ૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
તપાસ કરતાં જુગારક્લબના સંચાલક કિરણ પ્રહલાદભાઈ ઠાકોર અને મુકેશ પ્રહલાદભાઈ ઠાકોરના ભાઈ કે.પી.તરેટિયા (ઠાકોર) હાલ વડોદરા એસીબીમાં પીઆઈ તરીકે કાર્યરત છે.
દરોડા ઈફેક્ટ: પીઆઈ એમ.કે.ઝાલા, ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
પાટડીમાં એસીબી પીઆઈના ભાઈની બે મહિનાથી ધમધમતી જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યાની કલાકોમાં જ એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા પાટડી પોલીસ મથકના પીઆઈ એમ.કે.ઝાલા અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.