મોરબી રોડ ઉપર ઇભલાએ ફરી લખણ ઝળકાવ્યા: પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ
50થી વધુ ગુનામાં સંડોવાયેલ નામચીન શખ્સ અને ટોળકીની શોધખોળ
જુના મોરબી રોડ પર ગણેશનગરમાં નામચીન ઇબ્રાહિમ ઉર્ફે ઇભલાએ ફરી લખણ ઝળકાવ્યા છે. કરીયાણાની દુકાન ચલાવતા વેપારી પિતા-પુત્રની દુકાને પરપ્રાંતિયોને કેમ ઊભા રાખો છો તેમ કહી ઇભલા સહિત ચાર શખ્સોએ પિતા-પુત્ર ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ગણેશ નગર શેરી નં. સી/11 ના ખૂણે રહેતાં અને શાપરમાં આવેલ આઈ.ડી.બી.આઈ. બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં યોગેશભાઈ હરજીવનભાઇ મકવાણાની નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઇબ્રાહિમ ઉર્ફે ઈભલો કરીમ, ફિરોજ કરીમ તેમજ અન્ય બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે. ઘર નજીક માતૃ કરીયાણાની દુકાન ચલાવતા યોગેશભાઈની દુકાને કરિયાણાની વસ્તુ લેવા પરપ્રાંતીય મજૂરો આવતા હોય ઈભલાએ તમારી દુકાન પાસે પરપ્રાંતીય લોકોને કેમ ઉભા રાખો છો અને કેમ બેસાડો છો યોગેશભાઈએ ઈભલાને તે અમારા ગ્રાહક છે જેથી બેઠા હોય છે તેમ કહેતા ઇભલો ઉશ્કેયો હતો અને ઝગડો કર્યો હતો. ઈભલો તેમજ તેનો ભાઇ ફિરોજ સહિતના શખ્સોએ યોગેશભાઈ અને તેના પિતા ઉપર તલવારથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. બીડિવિઝન પોલીસે કુખ્યાત ઈભલા અને તેની ટોળકીની શોધખોળ શરૂ કરી છે. ઇભલા અને તેના સાગરીતો વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, રાયોટિંગ, દારૂ, જુગાર સહિત 50 થી વધુ ગુના નોંધાયેલ છે.