કોઠારીયા નજીક રામનગરનો બનાવ : વૃદ્ધામાં પાડોશમાં રહેતા પૂર્વ પુત્રવધુ અને તેના પુત્રએ નજીવી બાબતે છરીના ઘા ઝીંક્યા : આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો
શહેરના કોઠારીયા નજીક રામનગરમાં વૃધ્ધા અને તેના પુત્રવધૂ પર પડોશમાં જ રહેતી પુર્વ પુત્રવધૂ અને તેના પુત્રએ છરી વડે હુમલો કરતાં બંને સાસુ-વહુને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડયા હતા. અને આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો છે.જોકે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
વિગત મુજબ કોઠારીયા ચોકડી નજીક રામનગર-૩માં રહેતાં નીતાબેન જેરામભાઇ ઠુમ્મર (ઉ.વ.૬૫) અને તેના પુત્રવધૂ વૃંદાબેન દિવ્યેશભાઇ ઠુમ્મર (ઉ.વ.૩૧) પર બાજુમાં જ રહેતી અલ્પા તથા અલ્પાના પુત્ર વિનીત ઉર્ફ વિવેકે છરીથી હુમલો કરી આડેધડ છરીના ઘા મારી દેતાં સાસુ-વહુ લોહીલુહાણ થઇ ગયા હતાં.જેથી તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટના મામલે આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયા હતા.અને નીતાબેનની ફરિયાદ પરથી પુર્વ પુત્રવધૂ અલ્પા અને અલ્પાના પુત્ર વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. વધુ માહિતી મુજબ હુમલાખોર અલ્પા સાથે અગાઉ નીતાબેનના પુત્ર દિવ્યેશે પ્રેમલગ્ન કર્યા હતાં. છુટાછેડા થયા બાદ તેણી બાજુમાં જ પુત્ર સાથે રહે છે. દરમિયાન હાલમાં દિવ્યેશે બીજા લગ્ન વૃંદા સાથે કર્યા છે. નીતાબેનના ઘરમાં રિનોવેશન કરાવાયું હોય તેની ટાઇલ્સ ઘર પાસે રાખી હતી. આ ટાઇલ્સ અલ્પાના ભાડુઆતે તોડી નાખતાં અને ઘર પાસે પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ અલ્પા અને તેના પુત્રએ ઉશ્કેરાઇ જઇ છરીથી હુમલો કર્યો હતો.