સગીરા સાથે પાડોશી શખસે બાથરૂમમાં કર્યા અડપલા
એક વર્ષ પૂર્વે સગીરાને ઘરેથી ભગાડી જનાર શખસે ફરી લખણ ઝળકાવ્યા : ફઈ જોઈ જતાં ભાંડો ફૂટ્યો અને યુનિવર્સીટી પોલીસમાં ગુનો નોંધાવ્યો
રાજકોટમાં માધાપર વિસ્તારમાં રહેતી સગીરાના ઘરમાં મોડી રાતે ઘુસી તેણીને ફોસલાવી બાથરૂમમાં લઈ જઈ પાડોશી શખસે શરીરે અડપલાં કર્યા હતા.જયારે સગીરાની ફઈ નરાધમને જોઈ જતાં ભાંડો ફૂટ્યો હતો અને યુનિવર્સીટી પોલીસમાં પોકસો, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
બનાવ અંગે રાજકોટના માધાપરમાં રહેતાં કાંતિભાઇ રતાભાઈ સાગઠીયા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેના પાડોશમાં રહેતા રોહિત જયંતિ સિપરિયા (ઉ.વ.22), નું નામ આપતાં જણાવ્યું હતું કે,તેઓ તેમના 65 વર્ષીય માતા, નાના બહેન અને ત્રણ દીકરીઓ તથા એક દીકરા સાથે રહે છે. જેમાં નાની દીકરી 17 વર્ષની છે.તેમના પત્નિ 17 વર્ષ પહેલા ગુજરી ગયા છે. રાત્રીના પાંચેક વાગ્યે તેમના નાના દીકરાને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરેલ હોય જેનું ધ્યાન રાખવા સિવીલ હોસ્પિટલે તેઓ હતાં.
ત્યારે રાત્રીના તેમની સગીર દીકરી કોઇ અજાણ્યા છોકરા સાથે બાથરૂમમાં પુરાઇ ગઈ હોય જેની જાણ તેમની બહેને થતાં તેને બહાર આવવાનુ કહેતા તે બહાર આવેલ નહીં, જે બાદ તેણીએ 100 નંબર ઉપર ફોન કરી પોલીસને જાણ કરી હતી.પોલીસે બંનેને બહાર કાઢી સગીરાની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે, રોહિત સીપરીયા સાથે પ્રેમ સંબંધ હોય જેથી તેણીએ ફોન કરી રોહિતને ઘરે બોલાવેલ હતો.બાદમાં બંને ઘરના બાથરૂમમાં છૂપાઇ ને મળતા હતાં અને બંનેએ કિસ કરી હતી ત્યારે અચાનકથી ફૂઇ બંનેને બાથરૂમમાં જોઇ ગયા હતા.વધુમાં જાણવા મળ્યું હતું કે,રોહીત અગાઉ સગીરાને ભગાડી ગયેલ હતો અને તેની ફરીયાદ પણ કરી હતી. જે ગુન્હામાં તે બે મહીના જેલમાં પણ રહેલ હતો અને ફરીવાર પણ તેઓની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી શારિરીક છેડછાડ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.