થાનમાં પ્રેમ પ્રકરણ મામલે પિતા-પુત્રની કરપીણ હત્યા
પ્રેમિકાના પતિ સહીત ત્રણે મૈત્રીકરાર કર્યાનો ખાર રાખી પરિવાર પર છરી વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું : માતાને ઇજા પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડયા : પોલીસે કાકા-ભત્રીજા સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો
થાનના રૂપાવટી રોડ ઉપર વાડીએ રહેતા પરિવાર ઉપર પ્રેમ પ્રકરણ મુદ્દે કાકા-ભત્રીજા સહિતના ત્રણ શખ્સોએ છરી વડે હિચકારો હુમલો કર્યો હતો.જયારે આ હુમલામાં પિતા-પુત્રનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.જયારે માતાને ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ સુરેન્દ્રનગરના થાન પાસે રૂપાવટી રોડ ઉપર રામાધણી નેહમાં રહેતા મુળ સાયલા તાલુકાના ગઢવાળા ગામના વતની ભાવેશભાઈ ઘુઘાભાઈ બજાણિયા (ઉ.વ.27) સાથે છેલ્લા ચાર મહિનાથી મૈત્રી કરાર કરીને રહેતી સંગીતાના પતિ દિનેશ સાપરાને પત્ની પોતાને તરછોડી પ્રેમી સાથે રહેતી હોય તે બાબતનું મનદુઃખ ચાલતુ હતું. રાત્રે 1 વાગ્યાના સુમારે ભર ઉંઘમાં સુતેલા ભાવેશભાઈ અને તેના પરિવાર ઉપર દિનેશ સાપરા અને તેના કાકા દિનેશ સાબરિયા અને જયેશે છરી વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં સંગીતાના પ્રેમી ભાવેશ ઘુઘા બજાણિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના પિતા ઘુઘાભાઈ દાનાભાઈ બજાણિયા (ઉ.વ.60) અને માતા મંજુબેન બજાણિયાને ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતાં. જેમાં ઘુઘાભાઈ બજાણિયાનું પણ ટુંકી સારવાર દરમિયાન મોત થતાં આ બનાવ બેવડી હત્યામાં પલ્ટાયો હતો.બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર ડીવાયએસપી વિશાલ રબારી સહિતનો સ્ટાફ તાત્કાલીક થાન ખાતે દોડી ગયો હતો. તેમજ ઈજાગસ્ત મંજુબેની ફરિયાદ માટે થાન પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મુળ સાયલાના ગઢવાળા ગામના ઘુઘાભાઈને સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાં મોટો વિજય ત્યાર બાદ રાજેશ અને સૌથી નાનો મૃતક ભાવેશ હતો. ભાવેશને સંગીતા સાથે છેલ્લા 7 વર્ષથી પ્રેમ સબંધ હતો. પરંતુ સંગીતાના લગ્ન વાંકાનેરના માંડાસર ગામના દિનેશ સાથે ગત ફેબ્રુઆરીના થઈ ગયા હતાં.
સંગીતાને દિનેશ સાથે મનમેળ ન થતાં તે ચાર મહિના પૂર્વે દિનેશને તરછોડી ભાવેશ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. આ મામલે આગઉ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. અને જે તે વખતે સમાધાન થયું હતું. પરંતુ દિનેશને પોતાની પત્ની પોતાને તરછોડી પ્રેમી સાથે રહેતી હોય તે ગમતુ ન હોય જેથી તે બદલો લેવા માટે તેના કાકા દિનેશ સાબડિયા તથા જયેશ સાથે મળીને હુમલો કર્યો હતો. જયારે આ હુમલામાં સંગીતાને પણ પતિ દિનેશે ઢસડીને માર માર્યો હતો. જો કે, તેને સામાન્ય ઈજાઓ થઈ હોય તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.હાલ મંજુબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથધરી છે.