ઓનલાઇન ગેમમાં પૈસા ગુમાવતા એમઆર યુવકનો આપઘાત
અમીન માર્ગ ચિત્રકુટધામ સોસાયટીનો બનાવ : આર્થિક ભીંસ આવતા લોન લેવા માટે મિત્ર સાથે ફોનમાં વાત કર્યા બાદ ગળાફાંસો ખાઈ લીધો
હાલ ઓનલાઇન ગેમના દૂષણમાં યુવાનો અનેક નાણા ગુમાવી રહ્યા છે.અને પૈસા હારી જતા તેઓને આર્થિક ભીંસ આવતા ન ભરવાનું પગલું ભરી લ્યે છે.ત્યારે મુળ જામકંડોરણાનો 36 વર્ષનો યુવાન રાજકોટ અમીન માર્ગ પર ચિત્રકુટ ધામ સોસાયટીમાં ભાડેથી રહેતા યુવાને ઓનલાઇન ગેમમાં મોટી રકમ ગુમાવી દેતાં તેણે લોન બાબતે મિત્ર સાથે ફોન પર વાત કર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગેની મળતી માહિતી મુજબ અમીન માર્ગ પર ચિત્રકુટ ધામ સોસાયટી શેરી નં.2 એસ્ટ્રોનના નાલા નજીક ભાડાના મકાનમાં રહેતાં નિકુંજ જેરામભાઇ કથીરીયા (ઉ.વ.36) નામના યુવાને ગાળફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ 108માં થતા ઇએમટીના ચાંદનીબેને તથા માલવિયા પોલીસ મથકના પીએસઆઇ એચ.ટી.પરમાર તથા રાઇટર સંજયભાઇ ઘટના સ્થળે જઇ કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નિકુંજભાઇ કથીરીયા મુળ જામકંડોરણાનો વતની હતો.તેના માતા-પિતા અને પરિવારના બીજા સભ્યો ત્યાં જ રહે છે. પોતે એમઆર તરીકે નોકરી કરતો હતો અને અહિ એકાદ વર્ષથી ભાડે મકાન રાખીને રહેતો હતો. અગાઉ તે સુરત રહી નોકરી કરતો હતો. તેણે એક મિત્રને ફોન કરી આર્થિક ભીસમાં હોવાની અને તે માટે લોન લેવી છે તેવી વાત કરી હતી.
જેથી આ વાત સાંભળી થોડીવાર બાદ મિત્ર તેના ઘરે પહોંચ્યો હતો. તે વખતે ફળીયામાં તેનું બાઇક પાર્ક કરેલું હતું અને તેને અંદર જોવા ગયો હતો. દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં તિરાડમાંથી જોતાં તે લટકતો દેખાતાં દરવાજો તોડી નાંખ્યો હતો અને ૧૦૮ને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે નિકુંજભાઇ ઓનલાઇન ગેમમાં મોટી રકમ હારી ગયો હોવાની મોબાઇલ કબ્જે લઇ વિશેષ તપાસ યથાવત રખાઈ છે.આપઘાત કરનારના ત્રણ વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતાં.બનાવથી પરિવાર શોકમાં ગરક થયો છે.