ધારાસભ્ય રમેશ ટીલાળાના પિતરાઈ ભાઈને ડોળિયા પાસે નડ્યો અકસ્માત: એકનું મોત
શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ કિશોર ટીલાળા તેમજ બે મીત્રો પરિવાર સાથે આબુ જઈ રહ્યા હતા ત્યારે બનેલો બનાવ
અચાનક જ વૃદ્ધ વચ્ચે આવી જતાં કારની બ્રેક લાગી’ને ટ્રકે ઠોકર મારતાં ડિવાઈડર કૂદાવી ગઈ, ત્યાંથી બીજા ટ્રકે ઠોકર મારતાં અકસ્માત બન્યો જીવલેણ
શ્રીજી માર્કેટિંગના શૈલેષ મકવાણાનું મોત: કિશોર ટીલાળાને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા
તહેવારો શરૂ થતાં જ લોકો બહારગામ ફરવા માટે રવાના થઈ રહ્યા છે. જન્માષ્ટમીનું મિનિ વેકેશન હોવાથી મોટાભાગના ધંધા-રોજગાર ત્રણ દિવસ સુધી બંધ રહેનાર હોવાથી લોકો દેશ-વિદેશ ફરવા માટે પહોંચ્યો છે. આ રીતે જ રજાનો લાભ લઈ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાના પિતરાઈ ભાઈ કિશોર ટીલાળા તેમજ તેમના મીત્રો પરિવાર સાથે આબુ જવા શનિવારે રાજકોટથી રવાના થયા હતા. જો કે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ડોળિયા નજીક ફોર્ચ્યુનર કારને અકસ્માત નડતાં પાંચ લોકો ઘાયલ થયા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા, તેમના પત્ની જયશ્રીબેન ટીલાળા, અનિલભાઈ મોરડ, તેમના પત્ની ઈલાબેન તેમજ ગોંડલ ચોકડી પાસે, માલધારી ફાટક નજીક શ્રીજી માર્કેટિંગના નામે વ્યવસાય કરતાં શૈલેષભાઈ રામજીભાઈ મકવાણા તેમજ તેમના પત્ની સોનલબેન મકવાણા વહેલી સવારે ૬ વાગ્યે રાજકોટથી આબુ જવા માટે કિશોરભાઈની ફોર્ચ્યુનર કાર નં.જીજે૦૩-એલઆર-૩૨૧૧ લઈને રવાના થયા હતા. આબુમાં તેમને બ્રહ્માકુમારીઝના એક કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી સૌ સાથે જ નીકળ્યા હતા. જો કે સવારે ૭:૩૦ વાગ્યા આસપાસ ડોળિયા નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ એક વૃદ્ધ વચ્ચે આવી જતાં તેમને બચાવવા માટે ચાલકે અચાનક જ કારની બ્રેક મારી દીધી હતી.
આ સમયે પાછળથી આવેલા ટ્રકે ફોર્ચ્યુનરને જોરદાર ટક્કર મારતાં કાર ડિવાઈડર કૂદીને સામી બાજુને રસ્તે પટકાઈ હતી. આ જ સમયે ત્યાંથી પણ એક ટ્રક પસાર થઈ રહ્યો હોય તેણે પણ કારને ટક્કર મારતાં અકસ્માત ગોઝારો બની જવા પામ્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ એમ્બ્યુલન્સ, સાયલા પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા તજવીજ શરૂ કરી હતી. કિશોરભાઈ ટીલાળાને માથામાં ગંભીર ઈજા પહોંચતાં તેમને સુરેન્દ્રનગર ખસેડી ત્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ માટે સિનર્જી હોસ્પિટલના ડૉ.સંજય ટીલાળા સહિતની ટીમ સુરેન્દ્રનગર પહોંચી હતી. જ્યારે અનિલભાઈ મોરડ અને તેમના પત્ની ઈલાબેન ઉપરાંત શૈલેષભાઈ, તેમના પત્ની સોનલબેન સહિતનાને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન શૈલેષભાઈનું મૃત્યુ થતાં ગમગીની વ્યાપી જવા પામી હતી.
એકના એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી
ડોળિયા નજીક ફોર્ચ્યુનર કારને અકસ્માત નડતાં શ્રીજી માર્કેટિંગના માલિક શૈલેષભાઈ મકવાણાનું નિધન થતાં એકના એક પુત્ર સુજલે પિતાની છત્રછાંયા ગુમાવી દીધી હતી. જાણવા મળ્યા પ્રમાણે શૈલેષભાઈ મકવાણા નાનામવા મેઈન રોડ પર હરિદ્વાર હાઈટસમાં રહે છે. અકસ્માતમાં તેમના પત્ની સોનલબેનને પણ કમરમાં ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કેવી કરુણતા ? રાજકોટ પહોંચ્યા ત્યાં સુધી શૈલેષ મકવાણા વાતચીત કરતા’તા !
આટલો મોટાો અકસ્માત નડ્યો છતાં સદ્ભાગ્યે છમાંથી એક પણ વ્યક્તિનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડ્યું ન્હોતું અને સમયસર તમામને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન જેમનું મૃત્યુ થયું છે તે શૈલેષભાઈ મકવાણા પણ રાજકોટ પહોંચ્યા ત્યાં સુધી પુત્ર સહિતના સાથે વાતચીત કરતાં હતા પરંતુ હોસ્પિટલે પહોંચ્યા બાદ તેમની સારવાર કારગત નિવડી ન્હોતી.