શેરબજારમાં ઉંચા વળતરની લાલચમાં લાખ્ખો ગુમાવ્યા
મોતીલાલ ઓસવાલ કંપનીના MD બની રાજકોટની ટોળકીએ ૧.૪૩ કરોડ પડાવ્યા
બ્રિલિયન્ટ લાઈફ સાયન્સના જનરલ મેનેજરને મોતીલાલ ઓસવાલ ફાયનાન્સ ક્લબના ગ્રુપમાં એડ કરી ફસાવ્યા
શરૂઆતમાં વળતર ચૂકવીને શીશામાં ઉતાર્યા બાદ થોડા જ દિવસમાં મારી દીધું બૂચ: છની ધરપકડ
સોશ્યલ મીડિયાના જમાનામાં લોકો માથું ખંજવાળતાં થઈ જાય તેવી છેતરપિંડીના કિસ્સા એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે આવી જ એક બનાવટ અમદાવાદના વ્યક્તિ સાથે રાજકોટની ટોળકીએ કરીને ૧.૪૩ કરોડ પડાવી લેતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગેની ફરિયાદ નોંધાતાં જ બોપલ પોલીસે રાજકોટની મહિલા સહિત પાંચ લોકો તેમજ મુળ અમરેલીનો એક શખ્સ મળીને છ લોકોની ધરપકડ કરી હતી.
આ અંગે અમદાવાદના બોપલમાં ગાલાજીમખાના રોડ પર શ્યામવીલા બંગ્લોઝની સામે મારૂતિનંદન કુટિર નામના મકાનમાં રહેતા અને દેત્રોજ ખાતે બ્રિલિયન્ટ લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતાં મેહુલ જીતેન્દ્રભાઈ રાવલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.૨૦-૮-૨૦૨૪ના બપોરે બારેક વાગ્યે તેને મોતીલાલ ઓસવાલ ફાયનાન્સ ક્લબ નામના ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં કયા શેર લેવા તેની માહિતી આપી હતી. આ પછી ૨૯-૮એ અનન્ા સ્મિથ નામની વ્યક્તિએ મેહુલને અન્ય એક વીઆઈપી સર્વિસ ગ્રુપ નામની લીન્ક મોકલી તેમાં એડ કર્યો હતો. આ પછી અનન્યા સ્મિથ (બનાવટી નામ) દ્વારા મેહુલને સેબીનું સર્ટિફિકેટ, મોતીલાલ ઓસવાલ ગ્રુપનું ઓવર ધ કાઉન્ટર (ઓટીસી) સભ્ય તરીકેનું સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું.
આ પછી રૂપિયા પડાવવાનો ખેલ શરૂ થયો હતો. ઠગ ટોળકી દ્વારા તા.૨-૯-૨૦૨૪થી તા.૮-૧૦-૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન મેહુલ પાસેથી કટકે કટકે ૪૩.૬૦ લાખ રૂપિયા અલગ-અલગ એકાઉન્ટમાં એમઓ એઆઈ પ્રો નામની એપ્લીકેશન મારફતે જમા લીધા હતા. આ એપ્લીકેશનમાં મેહુલનું રોકાણ અને તેને થયો નફો બતાવી રહ્યો હતો જે જોતાં મેહુલને ૪૩.૬૪ લાખના રોકાણના બદલામાં ૩,૨૫,૩૭,૮૮૨ રૂપિયા મળ્યા હોવાનું પ્રદર્શિત થતું હતું. આ પૈસા મેહુલ દ્વારા કાઢવાનો પ્રયાસ કરાતાં જ તેની રિકવેસ્ટ રિજેક્ટ થઈ જતી હતી. આવું વારંવાર થતાં મેહુલે અનન્યા સ્મિથ નામની મહિલા સાથે વાત કરતાં તેણે અલગ-અલગ બ્હાના કાઢ્યા હતા. દાળમાં કંઈક કાળું હોવાની શંકા જતાં જ મેહુલ મોતીલાલ ઓસવાલની મુંબઈમાં આવેલી ઓફિસે જઈને પૂછપરછ કરાતાં આવું કોઈ જ વોટસએપ ગ્રુપ કે એપ્લીકેશન નહીં હોવાનો ભાંડાફોડ થતાં મેહુલે પોતાની સાથે ૧.૪૩ કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાતાં બોપલ ઈન્ચાર્જ એસપી અમદાવાદ (રૂરલ) મેઘા તેવારના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમે રાજકોટમાં દરોડા પાડીને એક મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી હતી.
પોપટપરામાં રહેતી શ્યામાએ અનન્યા નામ ધારણ કરી આપી’તી લાલચ
છેતરપિંડીની આ સઘળી જાળનો માસ્ટર માઈન્ડ રાજકોટનો સાહિલ ચૌહાણ છે જેણે પોતાની ટોળકીમાં શ્યામા સુનિલભાઈ પંચાસરા સહિતને સામેલ કરી મેહુલ પાસેથી પૈસા પડાવ્યા હતા. શ્યામા કે જે પોપટપરા મેઈન રોડ પર સેન્ટ્રલ જેલ પાસે શેરી નં.૪માં રહે છે તેના દ્વારા અનન્યા સ્મિથ નામ ધારણ કરીને ફરિયાદી મેહુલ રાવલ સાથે વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીત એક-બે નહીં બલ્કે અનેક વખત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
મોતીલાલ ઓસવાલની મુંબઈમાં આવેલી હેડ ઓફિસે ગયા બાદ ફૂટ્યો ભાંડો
શરૂઆતમાં વળતરની રકમ સરળતાથી પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જતાં મેહુલ રાવલને ઠગ ટોળકી પર ભરોસો આવી ગયો હતો જેથી તેણે એક સાથે ૪૩ લાખ જેટલી માતબર રકમ ટોળકીના કહેવાથી રોકાણ કરી નાખી હતી. જો કે તેની મુળ રકમ અને વળતર નહીં મળતાં આખરે તે મુંબઈ આવેલી મોતીલાલ ઓસવાલની હેડ ઓફિસે દોડી ગયા બાદ સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો.
૧૦,૦૦૦નું રોકાણ ૪૩ લાખ સુધી પહોંચી ગયું ત્યાં સુધી મેનેજર રહ્યા અંધારામાં
મેહુલ દ્વારા સૌથી પહેલાં ૧૦,૦૦૦નું રોકાણ કરાયું હતું જેના બદલામાં તેને ૨૮,૦૦૦ની વળતર મળ્યું હતું. આ પછી તેણે ૭૫,૦૦૦, ૨૫,૦૦૦ અને ૫૦,૦૦૦નું રોકાણ કર્યું હતું જેના બદલામાં તેને ૨.૫૦ લાખ મળ્યા હતા. આમ બે વખત નફો મળતાં મેહુલને ઠગ ટોળકી પર વિશ્વાસ બેસી ગયો હતો જેથી અનન્યા સ્મિથ (શ્યામા પંચાસરા)ના કહેવાથી મનાબા ફાયનાન્સ અને ડેક્ન ટ્રાન્સલીઝિંગના આઈપીઓમાં ૪૩,૬૪,૦૦૦નું રોકાણ કર્યું હતું જેના વળતર પેટે તેને ૩,૨૫,૩૭,૮૮૨નો નફો થયાનું એપ્લીકેશનમાં દર્શાવાયું હતું પરંતુ આમાંથી એક પણ રકમ તે કાઢી શક્યા ન્હોતા કેમ કે આ બધું જ બનાવટી હતું.
કોની કોની ધરપકડ કરાઈ
- સાહિલ રફીકભાઈ ચૌહાણ (રહે.પુનિતનગર શેરી નં.૩)
- ઈલિયાસ જમાલભાઈ પરમાર (રહે.કોઠારિયા રોડ, આનંદનગર)
- ઝુબેર કાસમભાઈ કુરેશી (રહે.કોઠારિયા મેઈન રોડ)
- મોહિલ ગુલાબભાઈ સુમરા (રહે.રૈયા રોડ)
- શ્યામા સુનિલભાઈ પંચાસરા (રહે.પોપટપરા)
- ગુંજન ઘનશ્યામભાઈ સરધારા (રહે.સુરત, મુળ માલવાણા-અમરેલી)