માનેલા મામાએ ૭ વર્ષની ભાણેજનો બે વખત દેહ ચૂંથ્યો !
ખાનગી હોસ્પિટલમાં જ વિધવા સાથે નોકરી કરતા ૨૫ વર્ષના શખ્સે જમવા જઈને કુમળી બાળકીને બનાવી હવસનો શિકાર
રડતી દીકરીની વાત સાંભળી માતાએ દુષ્કર્મીને ફોન કર્યો તો નફ્ફટે કહ્યું, મેં આવું કશું જ કર્યું નથી ! પોલીસે ઘરમાં જ સૂતેલો ઉપાડી લીધો
નૂતન વર્ષના પ્રારંભે જ રાજકોટમાં હચમચાવી નાખે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલની બાજુમાં ભાડાના મકાનમાં રહેતાં વિધવાની ૭ વર્ષની કુમળી બાળકીને ૨૫ વર્ષના માનેલા મામાએ જ પોતાની હવસનો શિકાર બનાવતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ઢગાએ એક નહીં બલ્કે બબ્બે વખત બાળકીનો દેહ ચૂંથ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તેના જ ઘરમાંથી સૂતેલો ઉપાડી લઈ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં વિધવા મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં ૭ વર્ષની એક બાળકી અને એક બાળક છે. તે જે હોસ્પિટલમાં નોકરી કરે છે ત્યાં જ દિલીપ મધુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫, રહે.મુંજકા-મહાપાલિકાના ક્વાર્ટર) પણ સાથે સફાઈ કર્મી તરીકે નોકરી કરતો હોય બન્ને એકબીજાના પરિચયમાં હતા. ફરિયાદી મહિલાએ દિલીપને ધર્મનો ભાઈ પણ બનાવ્યો હતો અને ચારેક મહિનાથી એકબીજાને ઓળખતા હતા.
૭ વર્ષની બાળકી માતા સાથે હોસ્પિટલે નોકરી પર જતી હોવાથી તે દિલીપને ઓળખતી હતી અને અને તે પણ દિલીપને મોટા ભાઈ કહીને બોલાવતી હતી. બન્નેને જમવા માટે અડધો કલાકનો બ્રેક મળતો હોય તે દરમિયાન પહેલાં મહિલા જમવા જતા હતા અને તે આવી ગયા બાદ દિલીપ તે મહિલના ઘેર જ જમવા માટે જતો હતો.
દરમિયાન ૪ નવેમ્બરે જ્યારે માતા ઘેર પહોંચી ત્યારે દીકરી રડી રહી હતી જેથી માતાએ પૂછતાં સઘળી હકીકત જણાવી હતી. તેણે કહ્યું કે થોડા દિવસ પહેલાં પણ દિલીપ બાળકી માટે જ્યુસ લઈને આવ્યો હતો અને તેનું શિયળ લૂંટયું હતું. આ સાંભળી મહિલાએ દિલીપને ફોન કરતાં તેણે નફ્ફટાઈ સાથે કહ્યું હતું કે મેં આવું કશું કર્યું નથી. જો કે દિલીપે જ પોત પ્રકાશ્યું હોવાથી મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે દિલીપ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી.
પ્લાસ્ટિકના એક કેને ઘટના ઉજાગર કરી…!
દિલીપ ચૌહાણે અગાઉ પણ જ્યુસ પીવડાવાના બ્હાને બાળકીને હવસનો શિકાર બનાવી હતી. જો કે ત્યારે બાળકીએ કશું જ નહીં બોલતાં બધું ધરબાયેલું રહ્યું હતું. ૪ નવેમ્બરે જ્યારે બાળકીની માતા ઘેર આવી ત્યારે હોસ્પિટલમાં વપરાતું એક પ્લાસ્ટિકનું કેન જોયું હતું. જો કે આ કેન અહીં પહોંચ્યું કેવી રીતે તે અંગે બાળકીને પૂછતાં તેણે કહ્યું હતું કે મોટાભાઈ (દિલીપ ચૌહાણ) અહીં આવ્યા હતા. આટલું બોલતાં જ તે રડવા લાગી હતી અને માતાને હકીકત જણાવી હતી.