જીવરાજ પાર્ક નજીક ‘હિટ એન્ડ રન’ માં પ્રૌઢનું મોત
શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જીવરાજ પાર્ક પાસે અજાણ્યા વાહને અડફેટે લઈ ૫૪ વર્ષિય પ્રૌઢને ગંભીર ઇજા પહોચાડતા તત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં ટૂંકી સારવારમાં જ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નાનામૌવા પાસે આવેલ ભીમનગરમાં રહેતા મૃતક લક્ષ્મણભાઈ દેવજીભાઈ સોલંકી ( ઉ.વ ૫૪ ) ના પુત્ર મહેશ સોલંકીએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રિના તે મેટોડા કારખાનામાં નોકરી પર હતો ત્યારે તેમના નાનાભાઈ રાકેશનો ફોન આવેલ આને જણાવેલ કે પિતાજીનો અકસ્માત થયો હોય જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલે પહોંચેલા યુવકે તેના પિતાને જોતા તેઓને હાથ-પગ અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓએ બેભાન અવસ્થામાં હતા. દરમિયાન ટૂંકી સારવારમાં જ પ્રૌઢને તબીબે મૃત જાહેર કર્યો હતા.
વધુમાં મૃતક લક્ષ્મણભાઈ જીવરાજ પાર્કમાં આવેલ એક્વા બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા તેઓને સંતાનમાં બે પુત્ર છે ગઈકાલે રાત્રિના રોડ ક્રોસ કરીને દુકાનમાં કોઈ વસ્તુ લેવા જતા હોય ત્યારે આ ઘટના બની હતી. તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે