ઉનાળામાં એસી ફીટીંગના ધંધામાં મંદી આવતા રૂ.5.08 લાખની ચોરી કરનાર શખ્સ પકડાયો
ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલસીબી
રાજકોટના શખ્સે રેકી કરી ચોરીને અંજામ આપ્યો
ગોંડલ માર્કેટ યાર્ડમાં એક પેઢીમાં ઘુસી વેપારીની નજર ચુકવી ટેબલના ખાનામાંથી 5 લાખની રોકડની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી રાજકોટના શખ્સની ધરપકડ કરી રોકડ કબ્જે કરી હતી. ઉનાળામાં એસી ફીટીંગના ધંધામાં મંદી આવતા ચોરીનો પ્લાન બનાવી ગોંડલ જઈ ચોરીને અંજામ આપ્યો હતો.
ગોંડલ માર્કેટ યાર્ડ બી વીંગમાં આવેલ મહારાજા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા વેપારી મહેશભાઈ વિઠ્ઠલભાઈ વેકરિયાની પેઢીની ઓફિસમાં તેમની ગેરહાજરીમાં ટેબલનું લોક તોડી ખાનામાં રાખેલ 5.08 લાખની રોકડ રકમ ચોરી થઇ હતી. જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ યાર્ડમાં ધોળે દિવસે થયેલી ચોરીની તપાસમાં સ્થાનિક પોલીસ સાથે એલસીબી પણ જોડાઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના ચોરીમાં સંડોવાયેલ શખ્સની ઓળખ મળી હતી અને રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર સુખસાગર સોસાયટીમાં રહેતા અને એસી રિપેરિંગનું કામ કરતાં હિતેષ ઉર્ફે શિવો નાનજીભાઈ તાળાની ધરપકડ કરી ચોરીની પૂરેપૂરી રકમ રૂ.5.08 લાખની કબજે કરી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, રાજકોટમાં એસી રિપેરિંગનું કામ કરતાં હીતેશને ઉનાળાની સિઝનમાં એસી ફીટીંગ અને રિપેરિંગના ધંધામાં મંદી આવતા હીતેશ ચોરીના રવાડે ચડયો હતો. કાલાવડના નવાગામના તેના ઓળખીતાની ગોંડલ યાર્ડમાં પેઢી આવેલી હોય ત્યાં અવાર નવાર હીતેશ જતો હોય ચોરીના દિવસે પણ તેણે પ્લાન બનાવી ગોંડલ યાર્ડમાં જઈ રેકી કરતાં મહારાજા એન્ટરપ્રાઈઝ નામની પેઢીનો દરવાજો ખુલ્લો હોય અને પેઢીમાં કોઈ હાજર ન હોય હેતેશે ટેબલનો લોક તોડી રૂ.5.08 લાખની રોકડ ચોરી લીધી હતી.
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી ગોહિલ, ડી.જી. બડવા, બાલકૃષ્ણ ત્રિવેદી, વિજરાજસિંહ, રવિદેવભાઈ, અનિલભાઈ, દિગ્વીજયસિંહ સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી.