રૈયારોડ પર દારૂની મહેફિલ પર એલસીબીનો દરોડો
ઓટોબ્રોકર સહિત ચાર શખ્સો દારૂ પીધેલા પકડાયા : દારૂના ચપલા અને બાયટીંગ જપ્ત
રાજકોટમાં રૈયા રોડ ઉપર આવેલ સુભાષનગરમાં નામચીન શખ્સના ઘરે ચાલતી દારૂની મહેફીલ ઉપર એલસીબી ઝોન-2ની ટીમે દરોડા પડ્યો હતો. આ દરોડામાં દારૂની મહેફીલ માણતા બે ઓટો બ્રોકર સહિત ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી દારૂના ત્રણ ચપલા તથા બાયટીંગ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વિગત મુજબ દારૂ-જુગારની પ્રવૃત્તિ અટકાવવા અને આવા કેસ શોધી કાઢવા સુચના મળી હોઇ એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે સુભાષનગર-૮માં યાસીનના ઘરમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા તેના આધારે ત્યાં પહોંચી ડેલી ખખડાવવામાં આવતાં એક શખ્સે ડેલી ખોલી હતી. તેની પુછતાછ કરતાં પોતાનું નામ યાસીન મહેબૂબભાઇ કચરા (ઉ.વ.૩૦) હોવાનું અને આ ઘર પોતાનું જ હોવાનું કહ્યું હતું. અંદર જઈ તપાસ કરતા હોલમાં પ્લાસ્ટીકના ચાર ગ્લાસ, વેફર સહિતના પેકેટ તથા દારૂના ચપલા, બોટલ જોવા મળ્યા હતાં.જેથી દારૂની મહેફિલ માળતા ઇમરાન સલીમભાઈ કારીયાણી (રહે.હનુમાન મઢી પાસે), અલ્તાફ ઇલ્યાસભાઈ કારીયાણી (રહે.નહેરૂનગર-૪), સદામ સુલતાનભાઈ સલોટ (રહે.રામનાથપરા-૧૭) અને યાસીનની ધરપકડ કરી હતી.