જસદણમાં સરકારી જમીન ઉપર 22 વર્ષથી કબજો જમાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ
પાણીનો ટાંકો અને બસ્ટેન્ડ તોડી નાખી મકાન અને દુકાન બનાવી નાખ્યા હતા
જસદણના નવગામમાં મંત્રીએ બનાવેલી બસ સ્ટેન્ડ અને ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો તોડી નાખી ગામના મીઠા ડાભી નામના શખ્સે છેલ્લા 22 વર્ષથી સાર્વજનિક પ્લોટમાં મકાન ચણી કબ્જો કરી લીધો હોય જે બાબતે કલેકટર સમક્ષ થયેલી ફરિયાદ બાદ મીઠા ડાભી સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે.
જસદણના નવાગામમાં બસસ્ટેન્ડ પાસે રહેતાં પૂર્વ સરપંચ રૂપાભાઈ ભોજાણીના પુત્ર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મનજીભાઇ ઉર્ફે મનુભાઈ (ઉ.વ.45)ની ફરિયાદને આધારે જસદણ પોલીસે મીઠા પાંચા ડાભી સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. મનજીભાઇ અગાઉ તેઓ જીલ્લા પંચાયતના સદસ્ય હતાં. તેમજ તેમના ગામ નવાગામમાં તેમના પિતા ગ્રામ પંચાયતના સરપંચ હતાં. તેમજ તેઓ નવાગામમાં કોઇ જમીનમાં દબાણ થાય તો કચેરીઓમાં દબાણ દુર કરાવવા માટેની અરજી કરતા હોય.
જસદણના નવાગામના સર્વે નં.64 પૈકીમાં નવુ ગામતળ અગાઉ મંજુર થયેલ હોય જેમાં સાર્વજનિક પ્લોટમાં ગામના જ મીઠા પાંચા ડાભીએ નવાગામના સર્વે નં 64 પૈકી પ્લોટ નં 30 અને 29ની બાજુમાં આવેલ સાર્વજનીક પ્લોટમાં 200 વારમાં કોઇ પણ જાતના હક્ક દાવા વગર છેલ્લા 22 વર્ષથી દબાણ કરી બસસ્ટેન્ડમાં આવેલ 20 હજારનો પાણીનો ટાંકો અને રાજય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ બંધાવી આપેલ બસસ્ટેન્ડ પણ તોડી નાંખ્યું હતું તેમાં ગેરકાયદેસર બાંધકામ કરી રહેણાંક મકાન અને દુકાન બનાવી નાખ્યા હતા. દબાણ દુર કરવા માટે નવાગામ ગ્રામપંચયત દ્રારા નોટીસ આપવામાં આવેલ હોય તેમ છતા તેઓએ દબાણ દુર નહિ કરતાં આ મામલે કલેકટર સમક્ષ લેન્ડગ્રેબિંગ હેઠળ કરેલી અરજી બાદ ગુનો નોંધવા હુકમ કર્યો હોય જસદણ પોલીસે ગુનો નોંધ્યો છે.