કુલદીપ શર્મા 41 વર્ષ જૂના કેસમાં દોષિત : 3 માસની જેલ
એક સમયના કચ્છનાં એસ.પી. અને રાજ્યના પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને 41 વર્ષ જૂના કેસમાં 3 માસની સજા સંભળાવવામાં આવી છે. 1984માં કોંગી નેતા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમને અપશબ્દો બોલી અપમાન કરી માર માર્યાનો આરોપ સાબિત માનીને ભુજની કોર્ટે આ સજા સંભળાવી છે.

મળતી માહિતી મુજબ કચ્છના નલિયામાં 6 મે 1984એ કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમ સુપરિટેન્ડેન્ટની ઓફિસમાં કુલદીપ શર્માને મળવા ગયા હતા. જ્યાં શર્માએ નેતાનું અપશબ્દો બોલી અપમાન કર્યું હતું, આ દરમિયાન તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી સહિતના આગેવાનો પણ હતા. એ વખતે તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કુલદીપ શર્માએ એ તમામનું અપમાન કર્યું હતું. એટલુ જ નહીં સાથી અધિકારીને બોલાવીને માર માર્યો હતો. નલિયામાં અબ્દુલ્લા હાજી એક કેસમાં પોલીસ પૂછપરછ દરમિયાન હેરાનગતિ ન થાય તે માટે એસપીને વિનંતી કરી હતી, પરંતુ કુલદીપ શર્માએ તેમની સાથે અસભ્યતાપૂર્વક વર્તણૂક કરી હતી.
જે મામલે એસપીએ અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમને તમે શેઠ છો? તેમ પૂછ્યું હતું તો તેમને પ્રત્યુત્તર આપતા કહ્યું કે, લોકો મને ઈભલા શેઠ તરીકે ઓળખે છે. આ પછી બોલાચાલી થઈ હતી અને કુલદીપ શર્મા અને સાથી અધિકારી ગીરીશ વસાવડાએ ઈભલા શેઠને માર મારતા કુલદીપ શર્મા વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી.
આ કેસને ૪૧ વર્ષના વહાણા વીતી ગયા હતા. અંતે આ કેસ ચાલવા ઉપર આવતા ભુજની કોર્ટે કુલદીપ શર્માને દોષિત માનીને ૩ માસની સજા ફટકારી હતી. કુલદીપ શર્મા ઉપરાંત ગીરીશ વસાવડાને પણ ત્રણ માસની સજા ફટકારવામાં આવી છે.
આ ચુકાદાને ઈભલા શેઠના પુત્રએ આવકાર્યો છે. આજે કોર્ટની બહારના ભાગે સામાજિક કાર્યકરોએ ફટાકડા ફોડીને આ ચુકાદાને આવકાર્યો હતો.
હજુ આ મામલે કાનૂની લડત થાય તેવા એંધાણ છે.