જયંતી સરધારા સામે મારામારી અને ધમકી સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો
PI પાદરિયા પર હુમલો કરનાર
PI પાદરિયા જમીને ઊભા હતા ત્યારે સરધારએ ઝગડો કરી ‘ખોડલધામમાં બધા ચોર છે,અને તારા પોલીસ વિભાગમાં કટકી બાજો છે’ કહી કાઠલો પકડી ઢીકાપાટુ માર્યું : પાર્કિંગમાં ઝાપાઝાપી કરી મારી નાખવાની ધમકી આપી
રાજકોટના પાટીદાર અગ્રણી અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારા અને પીઆઇ સંજય પાદરીયાનો વિવાદ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે.અને ત્યારે આ મામલે નવો વણાંક સામે આવ્યો છે.પીઆઇ સંજય પાદરીયાએ તાલુકા પોલીસમાં થોડા દિવસ પૂર્વે અરજી કરી હતી.જેમાં સરધારએ ‘ખોડલધામમાં બધા ચોર છે,અને તારા પોલીસ વિભાગમાં કટકી બાજો છે’તેમ કહી તેમના પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.જે મામલે તાલુકા પોલીસ દ્વારા આજે પીઆઇ પાદરિયાને ફરિયાદ નોંધવા માટે પોલીસ મથક પર બોલાવ્યા હતા.અને તેઓ તેમના 50 જેટલા સમર્થકો સાથે પહોંચ્યા હતા.અને પોલીસ દ્વારા જયંતી સરધારા સામે મારામારી અને ધમકી સહીતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનામાં પીઆઇ પાદરીયાએ જણાવ્યુ હતુ કે ગઇ 25-11 ના રોજ તેઓ સબંધી રમેશભાઇ ખુંટના પુત્રના લગ્ન પ્રસંગે કણકોટ રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નમાં ગયા હતા ત્યારે રાત્રીના સમયે જયંતિ સરધારા ત્યા મળ્યા હતા અને તેઓ સામાન્ય વાતચીતમાં ઉશ્કેરાઇ ગયા હતા તેમજ ખોડલધામ સંસ્થા વિશે ખરાબ બોલવાનુ ચાલુ કરી ખોડલધામમાં બધા ચોર છે તેમ કહેતા તેમણે કોઇની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવુ સમજાવતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પોલીસવાળા બધા ચોર છે, પૈસા ખાય છે અને પૈસાવાળા થઇ ગયા છે તેવુ પોલીસ વિભાગ વિશે બોલવા લાગ્યા હતા.ત્યારબાદ તેઓએ કાઠલો પકડી સંજય પાદરીયાને ધકકો મારી દીધો હતો અને પાટુ પણ માર્યુ હતુ.
જેથી પીઆઇ સંજયભાઇ ત્યાથી જતા રહયા હતા.ત્યારબાદ પીઆઇ પાદરીયા ચાલીને પાર્ટી પ્લોટમાં પાર્કીંગમાં જતા હતા ત્યારે જયંતિ સરધારા પોતાની ગાડી લઇને ત્યાથી પસાર થતા હોય તેઓએ પીઆઇ પાદરીયાને જોઇ ગાળો દેવા લાગ્યા હતા અને ખોડલધામમાં બધા ચોર છે. તારા પોલીસ ડિપાર્ટમેન્ટવાળા કટકી બાજો અને લુંટારા છે તેમ કહી ગાળો આપી હતી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. તેવામાં આરોપી જયંતિભાઇએ પહેરેલી રૂદ્રાક્ષની માળા લાગી ગઇ હતી અને ઝપાઝપીમાં પાર્ટી પ્લોટની દિવાલ સાથે અથવા પાર્કિંગમાં રહેલી ગાડીઓ સાથે અથડાતા તેઓને ઇજા થઇ હતી. ત્યારબાદ ગાડીમાં બેસતી વખતે પાદરીયાને જયંતિ સરધારાએ કહયુ કે સંજલા તારૂ આવી બન્યુ છે. ખોડલધામને કહેજે તને બચાવી લે અને હવે તારૂ મોત નિપજાવીને શાંતિથી બેસીશ. તેમ કહી ત્યાથી તેઓ જતા રહયા હતા.
જેથી આ મામલે પીઆઇ પાદરિયા દ્વારા તાલુકા પોલીસમાં અરજી આપવામાં આવી હતી.અને બાદમાં પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ દ્વારા ગઇકાલે પીઆઇ પાદરિયાને તાલુકા પોલીસ મથક પર બોલાવવામાં આવતા તેઓ પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા.અને પોલીસ દ્વારા તેમની ફરિયાદ પરથી જયંતી સરધાર સામે મારામારી અને ધમકી સહીતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવવાની છે.