રાજકોટમાં નવા કાયદા હેઠળ પ્રથમ ગુનો મારામારીનો નોંધાયો
મહીકા ગામે ખેડૂત પર સેઢામા પથ્થર નાખવા મુદ્દે ચાર શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો : આજીડેમ પોલીસે IPCની બદલે ભારતીય ન્યાય સંહિતાનો અમલ કરી ગુનો નોંધ્યો
સરકારે અંગ્રેજો વખતના કાયદામાં ધરખમ ફેરફાર કરી તેનો અમલીકરણ ગઇકાલથી કરી દેવામાં આવ્યો છે.અને અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા (IPC) નું સ્થાન ભારતીય ન્યાય સંહિતાએ, ફોજદારી કાર્યરીતિ સંહિતાનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયનું સ્થાન ભારતીય સાક્ષ્ય વિધેયકે લીધું છે. જે નવા કાયદાના અમલીકરણમાં રાજકોટમાં આજીડેમ પોલીસ મથક ખાતે પ્રથમ મારામારીનો ગુનો નોંધ્યો છે.
બનાવ અંગે મહિકા ગામમાં બાલાજી સ્ટોનથી આગળ રહેતાં સવજીભાઈ ખીમજીભાઈ ગોહેલ (ઉ.વ.59) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેના કૌટુંબિક ભાઈ રવજી ચકુ ગોહેલ, ભત્રીજો પ્રફુલ રવજી ગોહેલ, ભાવેશ જગદીશ ગોહેલ અને હેમંત મનસુખ ગોહેલનું નામ આપતા આજીડેમ પોલીસે ખૂની હુમલાની કલમ 326(2) ની જગ્યાએ 118 (1), 323 ની જગ્યાએ 115(2) અને ધમકીની કલમ 504 ના સ્થાને 352 તેમજ મદદગારીમાં 115 ના બદલે 54 લગાડવામાં આવી છે.જેમાં તેને જણાવ્યું હતું કે,તેઓ ખેતીકામ કરે છે અને આરોપી કૌટુંબિક ભાઈ રવજીની જમીન પણ તેની બાજુમાં જ આવેલી છે. આરોપી રવજી અને તેનો પુત્ર તેમજ ભત્રીજાઓ ફરિયાદીની સીમ જમીન પર જવાના રસ્તામાં પોતાની વાડીમાંથી પથ્થર કાઢી તેમાં નાખતા હતાં. જે મામલે ફરિયાદીએ આરોપી રવજીને ટપાર્યો હતો કે, અમારો રસ્તો બંધ થઈ જાય છે.
જે મામલે આરોપી રવજી ઉશ્કેરાયો હતો અને પોતાના પુત્ર અને ભત્રીજા સાથે ઇક્કો કાર અને રીક્ષામાં વાડીએ ઘસી આવ્યા હતાં અને ફરીયાદી સાથે ઝઘડો કરી કુહાડીથી હુમલો કરી દિધો હતો. તેમજ અન્ય આરોપીએ પણ ઢીકાપાટુનો બેફામ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.