પુષ્કરધામમાં દુકાન-મકાન પડાવી લેતા વેપારીનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત
દુકાનમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું : સ્યુસાઇડ નોટમાં રાજીવ કોઠારીએ મરવા મજબૂર કર્યાનું લખ્યું , પોલીસ તપાસ હાથધરી
શહેરના પુષ્કરધામમાં નંદી પાર્ક મેઇન રોડ પર આવેલી સદગુરુ પ્રોવિઝન નામની દુકાન ધરાવતા વેપારી પ્રૌઢે દુકાનમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. આ બનાવમાં પોલીસને મૃતક વેપારી પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં તેને પોતાને મરવા મજબૂર કરનાર રાજીવ કોઠારીનું નામ આપ્યું હતું અને રજીવે તેમનું મકાન અને દૂકના પડાવી લેતા આ પગલું ભર્યાનું જણાવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
બનાવની વિગત મુજબ શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ પાછળ અમી હાઇટ્સમાં રહેતા અને પુષ્કરધામમાં નંદી પાર્ક મેઇન રોડ પર સદગુરુ પ્રોવિઝન નામની કરિયાણાની દુકાન ધરાવતા અનિલભાઇ પ્રાણજીવનભાઇ સેદાણી (ઉ.વ.૬૩) નામના પ્રૌઢ ગઇકાલે સવારે નિત્યક્રમ મુજબ તેમના ભાઈ પ્રવીણભાઈ સાથે દુકાને ગયા હતા થોડીવાર બાદ તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી દુકાને હાજર મોટાભાઈ પ્રવીણભાઈએ તેમણે ૧૦૮ મારફતે સિવિલ ખસેડયા હતા અને અહી ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક અનિલભાઈ છ ભાઈ અને ત્રણ બહેનમાં પાંચમા નંબરે અને અપરણિત હતા.
અને તેની પાસેથી મળેલી ત્રણ પાનાની સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મને મરવા મજબુર કરનાર રાજીવ કોઠારી છે, તેને છેતરપીંડી કરી સાણથલી ગામના જુના મકાનના ડોકયુમેન્ટમાં સહીઓ બાકી હોવાનું કહી મારી ગેરહાજરીમાં મારાભાઈ બકુલભાઈ પાસે સહી કરાવી લીધી હતી. એ પછી કોઈ જવાબ આપતો નહિ ફોન પણ કાપી નાખતો હતો, તેનું એડ્રેસ આપતો નથી, મારા નાના ભાઇ બકુલને ફસાવવા માટે અમુક માણસો કાવતરા કરે છે, આમા મારા ખાસ મિત્રો પણ છે. મારો ભાઇ નિર્દોષ છે. મારે મારા ભાઈ બકુલ સાથે કોઇ વાંધો નથી મારા ભાઈની કોઈ ભૂલ નથી,મારી દુકાનના બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી, મારા આધાર કાર્ડ, પાન કાર્ડ, મારા ભાઈ બકુલના આધારકાર્ડ, પાન કાર્ડમાં સહી કરેલા છે તે ગુમ છે. આ બોગસ ડોકયુમેન્ટ જેની પાસે છે એ બધા આમાં સામેલ છે પણ કોની પાસે છે એ અમને ખબર નથી, મારી પાસે મારા નામની આઈ-૨૦ કાર છે. મેં કોઈની સાથે સોદા કે કરાર કર્યા નથી. અમે બંને ભાઈઓ અપરણિત છીએ, આગળ પાછળ કોઈ છે નહીં એટલે દુકાન પચાવી પાડવા માટેનું કાવત્રુ કરે છે.અને આમાં 10 લોકો સામેલ હોઇ એવું લાગે છે. તેવું તેમને સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી પરિવારોના નિવેદન નોંધી તપાસ શરૂ રાખી છે.