પૈસાની ઉઘરાણી મુદે નામચીન કાસમ અને ચોકલેટે વેપારી પાછળ છરો લઇ દોડયા
પોપટપરા પાસેનો બનાવ : ઘરમાં ઘૂસી માતા-પુત્રને મારી નાખવાની ધમકી આપી
શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા નામચીન શખ્સ કાસમ ઉર્ફે કળી અને ચોકલેટે ફરી લખણ ઝળકાવ્યા છે. વેપારીને મારી નાખવા તેની પાછળ છરી લઇને દોડયા હતા.તેમજ તેના ઘરમાં ઘુસી જઈ મારી નાખવાની ધમકી આપતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો છે.
વધુ વિગતો મુજબ, પોપટપરા મેઈન રોડ કૃષ્ણનગર શેરી નં.1 જુની પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા મહેબુબભાઈ ઈસ્માઈલભાઈ સોલંકીએ ફરિયાદમાં આરોપીમાં નામચીન શખ્સ કાસમ ઉર્ફે કળી અને તેમના ભાઈ અહેમદ ઉર્ફે ચોકલેટનું નામ આપતાં જણાવ્યું હતું કે,તેઓ સંતોષીનગરમાં આશીયાના કોટનવર્ક નામથી દુકાન ધરાવી વેપાર કરે છે. ગત તા.20-8નાં રોજ રાત્રિના સમયે મહેબુબભાઈ અને તેના મિત્રો રામનાથપરા બાજુ જમવા ગયા હતાં ત્યારે રાત્રિના સમયે તેમના માતા મરીયમબેનનો ફોન આવ્યો હતો અને, તેમના વિસ્તારમાં રહેતા કાસમ ઉર્ફે કળી અને તેમનો ભાઈ અહેમદ ઘરે આવ્યો હતો અને મનફાવે તેમ ગાળો બોલતા હતાં. ત્યારબાદ મહેબુબભાઈ આવી પહોંચતા તેઓ તેમની પાછળ છરી લઇ દોડયા હતા. અને માતા-પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે,તેમને ત્યાં અગાઉ નોકરી કરતાં સાગરે આરોપી પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા.જેથી તેની ઉઘરાણી કરવા માટે વેપારી પર હુમલો કર્યો હતો.