દોઢ વર્ષમાં ૬ સ્થળે લાખોની મત્તા ઉસેડી લેનાર ભૂતિયા’ ગેંગનો સાગ્રીત પકડાયો
૧૪ દિ' પહેલાં યુનિ. કેમ્પસ નજીકના બંગલોમાંથી ૧૧ લાખથી વધુની ચોરી સહિતનો ભેદ ઉકેલાયો:
ટાર્ગેટ’ કરાયેલા મકાનમાં રાત્રે પડતાં’ને સવાર સુધી ત્યાં જ સંતાઈ રહેતા: ઝોન-૨ એલસીબીને મોટી સફળતા
રાજકોટ છેલ્લા ઘણા સમયથી તસ્કરોના કબજામાં આવી ગયું હોય તેમ દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં નાની-મોટી ચોરીઓ થઈ રહી છે. ચોરીના વધી રહેલા બનાવોને ઘટાડવા તેમજ તસ્કરોને ડામવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે જેમાં ઝોન-૨ એલસીબીને મોટી સફળતા સાંપડી હોય તેમ દોઢ વર્ષની અંદર શહેરમાં ૬ સ્થળે ચોરી કરી લાખોની મત્તા ઉસેડી લેનાર મધ્યપ્રદેશની ભૂતિયા ગેંગના સાગ્રીતને પકડી લેવાયો છે.
ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા, કોન્સ્ટેબલ રાહુલ ગોહેલ, જયપાલસિંહ સરવૈયા, જેન્તીગીરી ગોસ્વામી સહિતની ટીમે કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે લક્ષ્મીના ઢોરા પાસેથી શંકાસ્પદ હિલચાલ કરી રહેતલા રામસીંગ ઉર્ફે રામુ કાલુસીંગ અજનાર (ઉ.વ.૨૭, રહે.ધુતારપર-કાલાવડ, મુળ મધ્યપ્રદેશ)ને દબોચી લઈ તેના કબજામાંથી ૬૮૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રામુની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપી હતી કે આજથી છ મહિના પહેલાં કાલાવડ રોડ પર એમટીવી સામે આવેલી એક સોસાયટીનું મકાન, દોઢ વર્ષ પહેલાં માધાપર ચોકડીથી આગળ એક નવી બનતી સાઈટની ઓફિસમાં, કોઠારિયા ગામ સામે આવેલી એક સોસાયટીના મેઈન રોડ ઉપર સોનીની દુકાનમાં, મેટોડા જીઆઈડીસીમાં રહેણાક વિસ્તારમાં, ૧૫૦ ફૂટ રિંગરોડ પર સોમેશ્વર મંદિર પાછળ પ્રશાંત એપાર્ટમેન્ટના સાતમા માળે ફ્લેટમાં તેમજ ૧૪ દિવસ પહેલાં યુનિવર્સિટી કેમ્પસ નજીક નિલ સીટીમાં એક રહેણાક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ તેમજ લેપટોપ-રોકડની ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરીમાં તેની સાથે મધ્યપ્રદેશનો રાજુ કેકડીયા બઘેલ, મહેન્દ્ર કુંવરસિંહ મેડા, મડીયો લેપાભાઈ મેડા સામેલ છે. આ લોકો છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં ખેતમજૂરી કરતા હોય અહીંના દરેક વિસ્તારથી વાકેફ હતા. આ ટોળકી જ્યાં ચોરી કરવાની હોય ત્યાંના આજુબાજુના અવાવરૂ વિસ્તારમાં સંતાઈને બેસી જતી અને રાત પડે એટલે ચોરીને અંજામ આપીને ચોરી કર્યા બાદ તે જ સ્થળે સવાર સુધી સંતાઈ રહેતા જેથી પોલીસને સીસીટીવી કેમેરા ચેક કરે તો તેમાં કોઈની હાજરી જ દેખાય !