જયંતી સરધારા સાથે થયેલી માથાકૂટની બધી વિગતો મેં પોલીસને આપી છે : પીઆઇ પાદરિયા
‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં પીઆઇ સંજય પાદરિયાએ કહ્યું હત્યાની કોશિશની કલમ હજુ હટી નથી: કોર્ટમાં તપાસ ચાલુ હોવાથી અન્ય કલમો હેઠળ નિવેદન લખાવ્યા બાદ નોટિસ આપી મૂકત કરાયા
પુષ્કરધામ મેઈન રોડ પર આલાપ એવન્યુ ખાતે આવેલા ઘરે પહોંચતા ફુલહાર કરી અને ફટાકડા ફોડી સમર્થકોએ ભવ્ય સ્વાગત કર્યું
રાજકોટમાં ચર્ચાસ્પદ સરદારધામના ઉપપ્રમુખ ઉપર જીવલેણ હુમલાની ઘટનામાં પી.આઈ સંજય પાદરીયા સામે હત્યાની કોશિશની કલમ રદ કરવાનો પોલીસે રીપોર્ટ કરતાં કોર્ટે સી-સમરી ભરવાનો હુકમ કર્યો હતો. ત્યારે કોર્ટના આ હુકમ બાદ સોમવાર સાંજે પી.આઈ સંજય પાદરીયા તાલુકા પોલીસ મથકમાં હાજર થયા હતા.અને અન્ય કલમોમાં સજા સાત વર્ષથી ઓછી હોવાથી નિયમ મુજબ પીઆઇ પાદરિયાએ તપાસ અધિકારીને નિવેદન લખાવી દીધા બાદ પોલીસે તેમને નોટીસ પાઠવી મુક્ત કર્યા હતા.
બનાવની વિગતો મુજબ સરદારધામના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ સરધારા અને જુનાગઢના પીઆઈ સંજય પાદરીયા વચ્ચે ગત 25/11ના રોજ થયલી માથાકૂટ બાદ પી.આઈ પાદરીયા દ્વારા જયંતિભાઈ સરધારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યાની ફરિયાદ બાદ આ મામલે પોલીસે પીઆઇ સંજય પાદરીયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમનો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. બીજી બાજુ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા હતા.અને આ મામલે સરધારાને થયેલી ઈજા જીવલેણ નહી હોવાનું અને પીઆઈ સામે હત્યાની કોશિષની કલમ રદ કરવા પોલીસ દ્વારા કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવ્યો હતો.અને કોર્ટ દ્વારા સોમવારે હત્યાની કોશિશની કલમ રદ કરવા માટે પોલીસને સી-સમરી ભરવા ઓર્ડર કર્યો હતો.જેથી હાલ માત્ર મારમારીની કલમો હેઠળ ગુનો થતો હોવાથી પીઆઇ પાદરિયા તાલુકા પોલીસ સમક્ષ હાજર થયા હતા.
પીઆઇ સંજય પાદરિયાએ ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,હું પોલીસ અધિકારી હોવાથી નિયમ અને ડિસિપ્લિન મુજબ સાચો ઘટના ક્રમ શુ થયો હતો.તે હું જાહેર ન કરી શકું પરંતુ મે તે રાતના મારા અને જયંતી સરધારા વચ્ચે જે પણ બન્યું હતું તેની સંપૂર્ણ વિગતો તપાસ અધિકારી એસીપી બી.જે.ચૌધરીને નિવેદનમાં લખીને આપી દીધી છે.જેથી હવે જે સત્ય હશે તેના પર પોલીસ તપાસ કરી કોર્ટમાં રજૂ કરશે અને બાદમાં કોર્ટ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે.અને અંતમાં તેઓએ જણાવ્યું હતું કે,આ પરિસ્થિતિમાં મને અને મારા પરિવારને સ્પોર્ટ કરનાર તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું.
પોલીસ દ્વારા નોટિસ આપીને પી.આઈ સંજય પાદરીયાને મૂકત કરાતા તેઓ પુષ્કરધામ મેઈન રોડ પર આલાપ એવન્યુ ખાતે આવેલા પોતાના ઘરે પહોંચ્યા હતા.અને જ્યાં સર્મથકો અને પરિવારજનો દ્વારા ફટાકડા ફોડી અને પેંડા વેચી ઉજવણી કરવામાં આવી હતી.