ફરી એક લુખ્ખાએ પોલીસને પડકારી: સાઈડ બંધ હોવા છતાં સ્કૂટર લઈને નીકળતાં કોન્સ્ટેબલ સાથે બોલાવી બઘડાટી
રાજકોટમાં એક બાદ એક લુખ્ખાઓ જાણે કે પોલીસને ગણકારતાં જ ન હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં બઘડાટી બોલાવી રહ્યા છે. પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફ પર જીવલેણ હુમલો કરનારો લુખ્ખો માજીદ ભાણું હજુ પકડાયો નથી. તેના ઉપરાંત અન્ય ટપોરીઓએ પણ પોલીસ સાથે માથાકૂટ કર્યાના બનાવ હજુ તાજા જ છે ત્યાં વધુ એક લુખ્ખાએ પોલીસને બેફામ ગાળો ભાંડતાં ફરજ રૂકાવટનો ગુનો નોંધી તેને કાયદાનું બરાબરનું ભાન કરાવાયું હતું.
આ અંગે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ ખુમાનસિંહ રાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ભૂતખાના ચોકમાં પાલજી સોડાની દુકાન સામે બંદોબસ્તમાં હતા ત્યારે લોધાવાડા પોલીસ ચોકી તરફથી સાઈડ બંધ કરાવ્યા બાદ પણ એક શખ્સ નંબર પ્લેટ વગરનું સ્કુટર લઈ નીકળ્યો હોય તેને અટકાવતાં તેણે લાજવાને બદલે ગાજીને `હું સદર બજારનો ડોન છું, મારું નામ સમીર બ્લોચ છે, બધી પોલીસ મારા હાથમાં છે, મને હજી તું ઓળખતો નથી, મારી ગાડી તારાથી રોકાય કેમ ? તને હું જોઈ લઈશ’ કહીને સમીર બીજા વાહન સાથે પોતાનું સ્કૂટર અથડાવીને ભાગવા જતાં ઋતુરાજસિંહ અને ટ્રાફિક બ્રિગેડે તેને અટકાવતાં તે ઉશ્કેરાઈ ગયો હતો તારે જે કરવું હોય તે કરી લે, હું તારી વર્દી ઉતરાવી નાખીશ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો. આ પછી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતાં એ-ડિવિઝન પોલીસે સમીર બ્લોચને પકડીને પોલીસ મથકે લાવી આગવી ઢબે સરભરા કરતા ભાંભરડા નાખી ગયો હતો.