કોર્ટ બિલ્ડિંગમાં જ પતિ-સસરાએ પરિણીતાને મારી નાખવાની ધમકી આપી
ત્રાસની ફરિયાદ કરી હોવાથી પરિણીતા માતા સાથે મુદતમાં આવી ત્યારે પિતા-પુત્રએ ‘કેસ પાછો લઇ લેજો નહીતર પતાવી દઇશ’ કહી જ્ઞાતી પ્રત્યે હડધૂત કર્યા : યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં ૮૦ ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતી અને ઝનાના હોસ્પીટલમાં સિકયુરી સ્ટાફમાં હાઉસ કિપીંગ સ્ટાફ સપ્લાય કરવાનું લેબરવર્ક કરતી મહિલાએ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ પાંચ માસ પૂર્વે ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.જેની કોર્ટમાં તારીખ હોવાથી તેઓ મુદતમાં હાજર રહ્યા હતા.તે સમયે કોર્ટ બિલ્ડિંગમાં જ તેના પતિ અને સસરાએ ‘કેસ પાછો લઇ લેજો નહીતર પતાવી દઇશ’ તેમ કહી ધમકી આપી તેઓને હડધૂત કરતાં પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગત મુજબ ૮૦ ફુટ રોડ સત્યમ પાર્ક સોસાયટી, શેરી નંબર ૧માં રહેતા આરતીબેન દિનેશભાઇ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેના પતિ વિશ્વજીતસિંહ રહેવર અને તેના સસરા રાજેન્દ્રસિંહ રહેવરનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓ ઝનાના હોસ્પીટલમાં સિકયુરી સ્ટાફમાં હાઉસ કિપીંગ સ્ટાફ સપ્લાય કરવાનું લેબરવર્કનું કામ કાજ કરે છે. વર્ષ ૨૦૨૪માં તેના વિશ્વજીતસિંહ સાથે પ્રેમ લગ્ન થયા હતા.તેઓના લગ્ન વિશ્વજીતસિંહના પરિવારે ન સ્વીકારતા એઓ અલગ રહેતા હતા.બાદમાં તેના પાડોશમાં રહેતી એક યુવતીએ તેમના પતિ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.જોકે આરતીબેન ફરિયાદ કરનાર મહિલાને ઓળખતા હોવાથી બાદમાં બંને વચ્ચે સમાધાન કરવી નાખ્યું હતું.
પરંતુ ત્યાર બાદથી જ પતિ વિશ્વજીતસિંહના સ્વભાવમાં ફેર પડી ગયો હતો.અને મારામારી કરી તેના ઘરે પરિવાર પાસે ચાલ્યો ગયો હતો.જેથી આરતીબેને સાસરિયાં સામે ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.જે કેસ રાજકોટ કોર્ટમાં ચાલી રહ્યો હતો.ગત તા.૧૦-૦૧ના આરતીબેન માતા જ્યોતિબેન સાથે કોર્ટમાં તારીખ હોવાથી ગયા હતા.અને આરોપી વિશ્વજીતસિંહ અને તેના પિતા પણ મુદતમાં આવ્યા હતા.તે સમયે બંને આરોપીઓ કોર્ટ બિલ્ડિંગની લોબીમાં જઈ આરતીબેન અને તેના માતાને કેસ પાછો લઇ લેજો નહીતર પતાવી દઇશ’ તેમ કહી ધમકી આપી હતી.ઉપરાંત જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા.જેથી આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ એસીપી વી.જી.પટેલને સોંપી છે.