દિલ્હીમાં કેવી બની ઘટના ? કોના ખૂન થયા ? જુઓ
સાઉથ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો હતો. દેવળી ગામમાં એક ઘરમાં પતિ-પત્ની અને પુત્રીની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પરિવારમાં એકમાત્ર બચી ગયેલા પુત્રએ જણાવ્યું છે કે હું મોર્નિંગ વોક માટે બહાર ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં જોયું કે ત્રણેયની હત્યા થઇ ગઇ છે. દિલ્હીમાં અપરાધખોરી બેફામ બની છે અને મંગળવારે જ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં કોઈ સુરક્ષિત નથી.
મૃતકોની ઓળખ રાજેશ (55), તેમની પત્ની કોમલ (47) અને પુત્રી કવિતા (23) તરીકે થઈ છે. મોર્નિંગ વોકમાંથી પરત ફર્યા બાદ પુત્ર ઘરમાં પ્રવેશ્યો કે તરત જ તેણે પરિવારના તમામ સભ્યોને મૃત જોઈને લોકોને એકઠા કર્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે. રાજેશના પુત્રની પણ પૂછપરછ કરવામાં હતી.
પુત્રનું કહેવું છે કે મારા માતા-પિતા અને બહેનની હત્યા થઈ ત્યારે હું મોર્નિંગ વોક પર ગયો હતો. જાણવા મળ્યું છે કે બુધવારે જ રાજેશની મેરેજ એનિવર્સરી હતી. પોલીસ આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના દેવલી ગામના પુરાણી ચૌપાલ વિસ્તારમાં બની હતી. એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજેશ મૂળ હરિયાણાના છે અને ઘણા વર્ષોથી દેવલી ગામમાં રહેતા હતા.
દિલ્હીમાં ગુનાખોરી બેફામ બની છે અને ખૂનની ઘટનાઓ લગભગ દરરોજ બની રહી છે. આ મુદ્દા પર રાજકીય સંઘર્ષ પણ શરૂ થયો છે. આપ દ્વારા કેન્દ્રના ગૃહ મંત્રાલય પર આરોપો મુકાયા છે.