રાજકોટમાં અત્યારે અલગ-અલગ વિસ્તારોમાં સ્કૂટરચાલક પસાર થઈ રહ્યા હોય ત્યારે ઘણી વખત અજાણ્યા રાહદારીઓ સ્કૂટર ઉભું રાખી લિફ્ટ માંગતાં હોય છે. વળી, ઘણાખરા દવાખાના સહિતની મદદ કરવા માટેનું કહેતાં હોય છે ત્યારે દવાખાનાનું કામ છે કહી એક ગઠિયાએ સ્કૂટર ઉભું રાખવી પ્રૌઢ પાસેથી દસ હજારની રોકડ આંચકી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે ભરત નરશીભાઈ આટકોટિયા (ઉ.વ.50) નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે બાપુનગરમાં આવેલા સર્વોદય ફર્નિચરમાંથી હિસાબની રોકડ દસ હજાર ખીસ્સામાં મુકી તેઓ ભાવનગર રોડ ઉપર આવેલા શક્તિ ફર્નિચર તેમજ ખોડિયાર ફર્નિચર પાસે હિસાબ આપવા માટે નીકળ્યા હતા. આ પછી બારેક વાગ્યે થોરાળા પોલીસ સ્ટેશનથી થોડે દૂર ભાવનગર રોડ પર તેઓ આવી રહ્યા હતા ત્યારે એક શખ્સે તેને સ્કૂટર ઉભું રાખવાનું કહેતાં ભરતે સ્કૂટર ઉભું રાખ્યું હતું. આ પછી તે શખ્સે `મારે દવાખાનાનું કામ છે, તમે મને એક હજાર રૂપિયા આપો’ આ સાંભળી ભરતે તેના ખીસ્સામાંથી હિસાબના દસ હજારમાંથી એક હજાર કાઢવા પ્રયત્ન કર્યો હતો પરંતુ દસ હજાર નીકળતાં એ ગઠિયાએ દસેય હજારની રકમ આંચકી લઈ પોબારા ભણી જતાં ભરત હક્કોબક્કો થઈ ગયો હતો. આ કળા 40થી 50 વર્ષના સફેદ મુંછવાળા શખ્સે કરી હોવાનું ભરતે જણાવ્યું હતું.