નકલી સોનું ગીરવે મુકીને ૨૫ દિ’માં પાંચ લાખની લોન લીધી’ને હાથ ઉંચા કર્યા !
મોટી ટાંકી ચોકમાં ફેડ બેન્ક સાથે છેતરપિંડી: રેલનગરમાં રહેતાં શખ્સનું કારસ્તાન
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સોનું ગીરવે મુકી લોન લેવાનો ટે્રન્ડ વધ્યો છે સાથે સાથે છેતરપિંડીમાં પણ વધારો થઈ રહ્યો છે. આવી જ એક છેતરપિંડી મોટી ટાંકી ચોકમાં આવેલી ફેડ બેન્ક સાથે થવા પામી છે જ્યાં એક શખ્સ નકલી સોનું ગીરવે મુકીને ૨૫ દિવસમાં પાંચ લાખની લોન લઈ લીધા બાદ હાથ ઉંચા કરી દેતાં આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફેડ બેન્ક ફાયનાન્સીયલ સર્વિસિઝ લિમિટેડમાં મેનેજર તરીકે નોકરી કરતાં વિજય મહેશકુમાર વ્યાસે પ્ર.નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રેલનગરમાં રહેતા હિતેન્દ્રસિંહ રાણાએ તા.૧૭ ફેબ્રુઆરી-૨૦૨૪થી તા.૧૩ માર્ચ સુધીમાં અલગ-અલગ વખત સોનું ગીરવે મુકી ૫,૨૧,૮૭૫ રૂપિયાની લોન મેળવી હતી. દાગીનાની પ્રાથમિક તપાસ કરી બેન્ક કર્મચારી સીએસઆઈ ભાવનાબેન મોઢવાડિયા અને આરઈ મયુરીબેન વોરાએ દસ્તાવેજી કાર્યવાહી કરી હતી. આ પછી બેન્કનું ત્રિ-માસિક ઓડિટ આવ્યું હતું જેમાં આ દાગીનાની ખરાઈ કરવામાં આવતાં તે ૩૫%થી નીચે હોવાનું ખુલ્યું હતું મતલબ કે દાગીના ઉપર સોનાનું પાણી ચડાવ્યું હોય તેવું લાગી રહ્યું હતું.
ત્યારબાદ આ અંગે હિતેન્દ્રસિંહ રાણા સાથે વાત કરતા તેણે એવું કહ્યું હતું કે તે ઝડપથી લોન ભરપાઈ કરી દેશે પરંતુ આવું કરવાની જગ્યાએ તેણે લોનના હપ્તા કે મુળ રકમ પણ ભરપાઈ કરી નથી. આ દાગીનાની તેણે સોની વેપારી કે વેલ્યુઅર પાસે પણ ખરાઈ કરાવી નથી. ફરિયાદ બાદ પોલીસે હિતેન્દ્રસિંહ રાણા સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.